OPINION

અંદાઝે બયાં અૌર - 3

દીપક બારડોલીકર
06-04-2014

ઉર્દૂ કાવ્યસાહિત્યમાં એક શેર એવો છે, જે દરેક યુગમાં તાજો, તર, પ્રફુલ્લ - fresh રહેવાને સર્જાયેલો છે. કાળનો સ્પર્શ એને મ્લાન કરી શકતો નથી, કરી શક્યો નથી. વળી, એ શેર સાદી ભાષામાં કહેવાયો છે. ભાષાની ભભક સાથે એને સંબંધ નથી. બે ચોપડી ભણેલા ય જાણી - માણી શકે એવો છે એ શેર :

તુમ મેરે પાસ હોતે હો ગોયા
જબ કોઈ દૂસરા નહીં હોતા !

‘ગોયા’ શબ્દ અા શેરનો પ્રાણ છે. અગર એ શબ્દ ખસેડી દેવામાં અાવે તો, બેટરી વગરના ખિલોણા જેવો, સ્થૂળ - નિશ્ચેતન અા શેર બની જાય. ગોયા શબ્દના અર્થ છે : બોલનાર, ઉમદા વાતચીત કરનાર, હૂબહૂ, ના જેવું, હમ શિકલ જાણે. હવે અા અર્થને લક્ષમાં રાખીને અા શેરને પુન: પુન: વાંચો, મન વાહ વાહ કરી ઊઠશે.

અા શેરના રચયિતાનું નામ છે મોમિન ખાન મોમિન. જન્મ ઇ.સ. 1800માં - દિલ્હીમાં. પિતા ગુલામનબીખાઁ હકીમ હતા. મોમિન પણ હકીમ. પ્રતિષ્ઠ શાયર હોવા સાથે જ્યોતિષવિદ્યાના પણ સારા જાણકાર હતા. યાદદાસ્ત એટલી સારી કે એક વાર વાંચેલું, સાંભળેલું ભૂલતા ન હતા. વટના કટકા એવા કે કોઈનું એહસાન લેતા ન હતા. ગઝલના ઉસ્તાદ હતા. એ સિવાય મસનવી પણ લખતા. અાશિક મિજાજ ને ઉમદા લિબાસ પરિધાન કરનારા અાદમી હતા. ખાસા વિવેકી પણ ખરા. નવાબ અસગરઅલીખાઁ નસીમ, શાહઝાદા ખુદાબક્ષ ક્યસર, હકીમ મુનવ્વરઅલી અાશિક્તા વગેરે તેમના શિષ્યો હતા. શતરંજના એક અચ્છા ખેલાડી હતા. 1852માં અવસાન થયું હતું.

ઈશ્ક એક ઉમદા લાગણીનું, સુકોમળ મનોભાવ, વૃત્તિનું નામ છે. મનુષ્ય એ રીતે જ એને અપનાવે છે. પરંતુ જીવનમાં કેટલીકવાર એવા સંયોગો, એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે, જ્યારે તે પોતાની માન્યતાથી વિપરીત વાત પણ કરે છે. ઈશ્ક મિજાજ કવિ મોમિનને કદાચ એવો જ કોઈક ધક્કો લાગ્યો હશે અને એથી તેમણે અામ કહ્યું હશે :

કહેર હય, મૌત હય, કઝા હય ઈશ્ક
સચ તો યે હય, બૂરી બલા હય ઈશ્ક

દેખિયે કિસ જગહ ડૂબો દેગા
મેરી કશ્તી કા નાખુદા હય ઈશ્ક

ખુદા જાણે ઈશ્કથી, સાચું કહીએ તો પ્રિયતમાથી, તેના અસહ્ય એવા નાઝનખરાથી કેવા કંટાળ્યા હશે કે ઈશ્કને મૌત, કહેર ને બૂરી બલા કહી ગયા ! વળી કહે છે કે અા ઈશ્ક મારા વહાણનો નાવિક છે − એ અહીં નહીં તો અન્યત્રે, પણ ડૂબાડશે જરૂર ! … 

ગમે એમ, પણ પ્રેમી, શાયર અામ સહેલાઈથી ડૂબી જાય એવા નથી હોતા. ઈશ્કની, પ્રિયતમાની બેવફાઈ સામે તરેહવાર યુક્તિ અજમાવે છે; ચેતવણી અાપે છે :

અબ અૌર સે લો લગાયેં ગે હમ
જૂં શમ્અ તુઝે જલાયેં ગે હમ

‘તૂ નહીં અૌર સહી !’ ક્યાંક બીજે દિલ લગાવીશું અને તમને બાળીશું, દીવો બળે છે એ રીતે નખશિખ બાળીશું, ચેનથી રહેવા દેશું નહીં !

બરબાદ ન જાયે ગી કદૂરત
કયા ક્યા તેરી ખાક ઉડાયેં ગે હમ

તેં અમને બર્બાદ કરવા ઇચ્છ્યું છે ને વેર બાંધ્યું છે તો અમારો જવાબ પણ મોં તોડ હશે. કીના - કપટને, વેરઝેરને અમે વ્યર્થ જવા દેશું નહીં. બરાબર, તારી ખાક ઉડાવીશું. તને રૂસ્વા કરીશું, બર્બાદ કરી દેશું, − પરંતુ સૌંદર્ય એક અજબ તાસીર રાખે છે. પથ્થરને ય પાણી કરી નાખે છે. એનો એક ઈશારો, એક અંગવિક્ષેપ કેટલા ય કરડા નરોને ચરણોમાં બેસાડી દે છે :

નાવક અંદાઝ જિધર દીદએ જાનાં હોં ગે
નીમ બિસ્મિલ કઈ હોં ગે, કઈ બેજાં હોં ગે

સૌંદર્યની, સુંદરીની તીરછી નજર કયામતથી કમ નથી હોતી. કોઈ નરદમ, નિરોગી સૌંદર્યની તીરંદાજ દૃષ્ટિ જ્યાં પડે છે ત્યાં એક અાફત ઊતરી અાવે છે. કેટલા ય સૌંદર્યપ્રેમીઅો બિસ્મિલ થઈ તરફડવા લાગે છે. તો કેટલા ય પોતાના પ્રાણથી હાથ ધોઈ નાખે છે !

અા દુનિયા છે અને અહીં ઘણું ઘણું થાતું રહે છે. સતત થાય છે. ન થવા જેવું પણ થાય છે. મોમિન અા પ્રક્રિયાનો લાભ લઈ કહે છે :

તુમ હમારે કિસી તરહ ન હુએ
વરના દુનિયા મેં ક્યા નહીં હોતા !

પરંતુ સનમ, પ્રિયતમા તો અાખરે પ્રિયતમા હોય છે ને ! એના નખરાનો પાર હોતો નથી. વળી સનમનો એક બીજો અર્થ પથ્થરની પ્રતિમા થાય છે. સનમના અા શબ્દાર્થોને લક્ષમાં રાખીને કવિ મકતામાં કહે છે :

ક્યું સુને અર્ઝે મુઝતર અય ‘મોમિન’
સનમ અાખિર ખુદા નહીં હોતા

મઝતર એટલે નુકસાનગ્રસ્ત, બેબસ, નિ:સહાય. મોમિન કહે છે કે હાનિ પામેલા - બેબસ અાદમીની ફરિયાદ તો સર્જનહાર સાંભળે છે. તે જ બેબસની વહારે અાવે છે. અા સનમ તો સનમ છે. સર્જનહાર નથી. એ અાપણી ફરિયાદ શા માટે સાંભળે ? એની સામે ફરિયાદ કરવી વ્યર્થ છે. એ પથ્થર છે પથ્થર કદી કોઈનું સાંભળતા હશે ?

અામ છતાં લોકો પ્રેમ કરે છે. પ્રિયતમાથી ઘણી અાશાઅો રાખે છે. અાવી અાશા રાખનારા કેટલાક સફળ પણ થતા હશે. પણ ઘણા તો નિષ્ફળ જ જતા હોય છે. દુ:ખી થાય છે. પસ્તાવો કરે છે. મોમિન એ સંદર્ભે કહે છે કે :

ઈક હમ હંય કે હુએ ઐસેં પશેમાન કે બસ
ઈક વહ હય કે જિન્હેં ચાહ કે અરમાન હોં ગે

અમે તો ખરેખરા પસ્તાયા છીએ, પ્રેમ કરીને. એ ભાઈ, તમે એના અરમાન ન રાખો નહીં તો પસ્તાશો. વેરણછેરણ થઈ જશો. − પરંતુ જેનું સમગ્ર જીવન ઈશ્કે બુતાં પ્રિયમાના નાઝનખરા ઊઠાવવામાં વીત્યું હોય તેવા અાદમી પર અાવી સુફિયાણી સલાહથી કોઈ અસર થાતી નથી. પાડાની પીઠ ઉપર પાણી :

ઉમ્ર સારી તો કટી ઈશ્કે-બુતાં મૈં ‘મોમિન’
અાખરી વક્ત મેં ક્યા ખાક મુસલમાં હોં ગે !

શાયરે અા શેરમાં પ્રતિમાપ્રેમનો લાભ લીધો છે અને પ્રતિમાપરસ્તી અને ખુદાપરસ્તીને સામસામે ગોઠવી શેરને અત્યન્ત સુંદર અને અર્થપૂર્ણ બનાવી દીધો છે. − જેણે જીવનભર બુતપરસ્તી કરી હોય તે અંતિમ કાળે શું ખાક મુસલમાન થવાનો હતો !

અને મોમિનની અા ગઝલ તો માસ્ટરપીસ છે. એ ન વાંચી તો મોમિનનું કંઈ વાંચ્યું નહીં. ‘તુમ્હેં યાદ હો કે ન યાદ હો’. − થોડા અશઅાર :

વહ જો હમ મેં તુમ મેં કરાર થા, તુમ્હેં યાદ હો કે ન યાદ હો
વહી યઅની વઅદહ નિબાહ કા તુમ્હેં યાદ હો કે ન યાદ હો

વહ જો લુત્ફ મુઝ પે થે પેશતર વહ કરમ કે થા મેરે હાલ પર
મુઝે સબ હય યાદ ઝરા ઝરા તુમ્હેં યાદ હો કે ન યાદ હો

કભી હમ મેં તુમ મેં ભી ચાહ થી કભી હમ સે તુમ સે ભી રાહ થી
કભી હમ ભી તુમ ભી થે અાશના તુમ્હેં યાદ હો કે ન યાદ હો

જિસે અાપ ગિનતે થે અાશના જિસે અાપ કહતે થે બાવફા
મૈં વહી હું મોમિને મુબતલા તુમ્હેં યાદ હો કે ન યાદ હો

અઘરા શબ્દોના અર્થ :

પેશતર = પહેલાં, પૂર્વે. રાહ = પંથ, કેડી ગરજ, મેળમિલાપ, મૈત્રી. અાશના = પરિચિત, મિત્ર, યાર, પ્રેમી. મુબતલા = ગિરફતાર, ફસેલો, પકડાયેલો, ઉલઝેલો, અાશિક.

કવિ ‘તુમ્હેં યાદ હો કે ન યાદ હો’ કર્યા કરે છે. કદાચ એટલા માટે કે એ જાણતો હશે કે સુંદરીઅોની, પ્રિયતમાઅોની યાદદાસ્ત નબળી હોય છે. તેમને યાદ રાખવા જેવી ઘણી વાતો યાદ રહેતી નથી. ખાસ કરીને મિલનના વાયદા તો યાદ રહેતા જ નથી. કદાચ એ કારણ હશે કે પ્રેમીઅો અકસર કકળાત કરતા રહે છે.

રોયા કરેં ગે અાપ ભી પહરોં ઈસી તરહ
અટકા કહીં જો અાપ કા દિલ ભી મેરી તરહ

મારી માફક અગર તમારું હૃદય જો ક્યાંક ભેરવાયું તો પછી જો જો ! પહોરોપહેર, ઘરને ખૂણે અશ્રુ સારતાં પાર નહીં અાવે. પરંતુ પ્રેમી કોને કહ્યા ! તે ક્યાં તકલીફની પરવા કરે છે. પ્રિયતમા ઘાસ ન નાખે, અાગતાસ્વાગતા ન કરે તો પણ તેની મહેફિલમાં જવાનું ચૂકતા નથી. જુઅો, મોમિન શું કહે છે :

ન જાયે વાં બને હય, ન બિન જાયે ચૈન હય
ક્યા કીજિયે, હમેં તો હય મુશ્કિલ સભી તરહ

તેની મહેફિલમાં ન જવાનું શક્ય નથી ને ન જવા ઇચ્છીએ તો બેચેની રહે છે. જીવ ફફડે છે ! − અમારે તો દરેક રીતે મુશ્કેલી છે. મુસીબત છે ! કહો, શું કરીએ ! છે કોઈ ઉપાય ?

[136 Stamford Street, Old Trafford, MANCHESTER M16 9LR. U.K.]

Category :- Opinion Online / Literature

અંદાઝે બયાં અૌર - 2

દીપક બારડોલીકર
05-04-2014

મિર્ઝા ગાલિબનો એક મકતા છે :

રેખતે કે તુમ્હી ઉસ્તાદ નહીં હો ‘ગાલિબ’
કહતે હંય અગલે ઝમાને મેં કોઈ મીર ભી થા

રેખતા એટલે ઉર્દૂ કવિતા. ગાલિબ પોતાની જાતને સંબોધીને કહે છે કે ઉર્દૂ કવિતાના કલાગુરુ એક માત્ર તમો નથી. કહે છે કે તમારા પૂર્વે મીર પણ એક મોટા ઉસ્તાદ, કલાગુરુ હતા.

હા, ગાલિબ જેવા મહાન શાયરને તેમની ઉસ્તાદીના દાવા સામે યાદ કરવા પડે એવા પ્રખર ઉસ્તાદ હતા શાયર મીર. ગાલિબ 19મી સદીમાં ડંકો વગાડી ગયા હતા, જ્યારે મીર સાહેબે અઢારમી સદીમાં ધજા ફરકાવી હતી. એ ધજા અાજે ય ફરકે છે. ઉર્દૂ ભાષાના ખાસ શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો તથા શેર કહેવાની કળા, શૈલી વગેરે જાણવા - સમજવા ખાતર દરેક નવા શાયરે મીર સાહેબ સમક્ષ અદબપૂર્વક બેસવું પડે છે.

મીર સાહેબ અત્યંત શક્તિશાળી કવિ હતા. તેમણે ઉર્દૂ ગઝલભૂમિને એ રીતે ખેડી છે કે એમના પેંગડામાં પગ ઘાલી શકે એવો અન્ય કોઈ કવિ હજી સુધી પેદા થયો નથી. તેમના સામર્થ્ય સામે સૌ ફીકા. એક શેરમાં તેઅો અા હકીકતને ધ્વનિત કરતાં અધિકારપૂર્વક કહે છે કે :

જાને કા નહીં શોર સુખન કા મેરે હરગિઝ
તા હશ્ર જહાં મેં મેરા દીવાન રહેગા !

મારા સુખન, મારા અશઅારની વાહ-વાહનો શોર ક્યારે ય શમવાનો નથી. અને મારો દીવાન, મારો ગઝલસંગ્રહ અા વિશ્વમાં કયામત સુધી રહેશે. − કેમ નહીં રહે, જરૂર રહેશે. મીર સાહેબ માત્ર વૃક્ષની નહીં, ધૂપ-છાંવની વાત કરે છે; માત્ર માનવમનની નહીં જીવનના સુખ-દુ:ખની વાત કરે છે. જેમ કે :

મુજ કો શાઇર ન કહો મીર કે સાહબ મેંને
દર્દો - ગમ જમ્અ કિયે કિતને તો દીવાન કીયા

કવિતા અધ્ધરો અધ્ધર વિહરનારી કળા નથી, એ જીવાતા જીવન અને વાસ્તવિક્તા સાથે મેળ કરી ચાલનારી કળા છે. અને એ વિશેની સાધના સહેલી - સરળ નથી હોતી. અત્યંત અાકરી હોય છે.

મત સહલ હમેં જાનો, ફિરતા હય ફલક બરસોં
તબ ખાક કે પરદે સે ઇન્સાન નિકલતે હંય

અમે કંઈ સહેલાઈથી, સરળતાથી, પ્રણાલી પર પડાવ નાખીને ‘લોલ ભૈ લોલ’ કરતાં બની ગયેલા શાયર નથી. અાકાશ કેટલાયે ચક્કર લગાવે છે, કસે છે, કસોટી કરે છે ત્યારે ખરો ઇન્સાન. સાચો શાયર પેદા થાય છે. અાકરી કસોટીઅોમાંથી પસાર થઈ ઉર્દૂ સાહિત્ય પર છવાઈ જનારા અા શાયરનું મૂળ નામ છે મુહમ્મદ તકી. તખલ્લુસ છે મીર. અને કાવ્યજગતમાં મીર તકી મીરના નામે જાણીતા થયા છે. એમના પરદાદા હિજાઝ(અરબસ્તાન)થી દક્ષિણ ભારતમાં, કદાચ હયદ્રાબાદ અાવ્યા હતા. ત્યાંથી અમદાવાદ અને ત્યાર પછી ત્યાંથી પડાવ ઉપાડી અાગ્રામાં ઠરીઠામ થઈ ગયા હતા.

મીર સાહેબનો જન્મ અાગ્રામાં 1722માં થયેલો. પિતા મુહમ્મદ અલી, અલી મુત્તકીના નામે જાણીતા હતા. − મીર સાહેબ સગીર વયે અનાથ થઈ જતાં દિલ્હીમાં તેમના માસા સિરાજુદ્દીન અલી ખાનની છાયામાં તેમનો ઉછેર થયો હતો. અા તે સમય હતો જ્યારે મુગલ શહેનશાહના પાયા નબળા થઈ ગયા હતા અને દિલ્હી વિગ્રહનું મેદાન બની ગયું હતું. મીર સાહેબે નાદિરશાહી લૂટમાર પણ દીઠી અને અબ્દાલી પઠાણોના જુલમ પણ જોયા, વેઠ્યા. અા અત્યાચારી પરિસ્થિતિથી કંટાળેલા મીર સાહેબ 1782માં લખનવ ચાલ્યા ગયા, જ્યાં તેમને નવાબ અાસિફુદ્દવલાના દરબારમાં સ્થાન મળી ગયું. પણ મીર તો મીર હતા ને ! વટના કટકા ઝાઝો સમય જીહજૂરી કરી શક્યા નહીં. દરબારને છેલ્લી સલામ કરી દીધી. અને બાકીનું જીવન સાહિત્યસર્જનમાં વિતાવી દીધું. 1810માં તેમની વફાત થઈ હતી.

દિલ્હીની બર્બાદીએ મીર સાહેબને પુષ્કળ દુ:ખી કર્યા હતા. તેમના એ દુ:ખની તીવ્રતા અા અશઅારમાં જોઈ શકાય છે :

દીદએ ગિરયાં હમારા નહર હય
દિલ ખરાબા જયસે દિલ્લી શહર હય

....

દિલ્લી કે ન થે કૂચે અવરાકે મુસવ્વીર થે

જો મુશ્કિલ નઝર અાઈ, તસ્વીર નઝર અાઈ !

અાંસુભરી અાંખો શું છે, જાણે વહેતી નહેર ! અને હૃદય એવું વેરાન થયું છે કે જાણે દિલ્લી શહેરની વેરાની ! − અને લોહીથી ખરડાયેલી શહેરની અા શેરીઅો, જાણે ચિત્રકારના રંગભર્યા કાગળો ! લોહીભીની તસ્વીરો !

પરંતુ મીર સાહેબ અાવી દુ:ખદ પરિસ્થિતિમાં હતાશ થઈને મેદાન છોડી જનારા અાદમી ન હતા. અાગમાંયે બાગ ખીલવવાની કળા તેમને સાધ્ય હતી.

ખુશ રહા જબ તબક રહા જીતા
‘મીર‘ મઅલૂમ હય, કલંદર થા

મીર સાહેબ હોય, ગઝલ હોય અને પ્રિયતમા કે મહોબત ન હોય એ કેમ બને ? તેઅો કેવી પ્રિયતમાને પસંદ કરે છે એ તો જુઅો :

ગુલ હો, મહતાબ હો, ખુરશીદ હો ‘મીર’
અપના મહબૂબ વહી હય જો અદા રખતા હય

પ્રિય અગર પુષ્પ સમાન કે માહતાબ, અાફલાબ સમાન હોય એ તો સમજ્યા, ‘મીર’ સાહેબ ! પણ અાપણને તો તે પ્રિયતમા ગમે જે અદા, લટકા, નખરા, મોહક હાવભાવ, છેડછાડવૃત્તિ ધરાવતી હોય ! સાવ ટાઢીટપ પ્રિયતમા અાપણને ન ગમે. પણ પ્રેમ કેવળ સ્થૂળ નથી હોતો, સૂક્ષ્મ, અધ્યાત્મિક પણ હોય છે. અને એ છે સાચો પ્રેમ. મીર સાહેબ એ કેડીના પ્રવાસી હતા. તેઅો સર્જનહાર સાથે અોતપ્રોત થઈ જવામાં માનતા હતા.

નહીં ઈત્તેહાદે તનો-જાં સે વાકિફ
હમેં યાર સે જો જુદા જાનતા હય

જી મેં ફિરતા હય ‘મીર’ વહ મેરે
જાગતા હું કે ખાબ કરતા હું

મીર સાહેબને તેમની ભાષાનું ઘણું ગુમાન હતું. ભાષાના રૂઢિપ્રયોગો, શબ્દસૌંદર્ય, અર્થસૌંદર્યનો વિવેક ન ધરાવતા હોય તેવા લોકો સાથે વાતચીત કરવાનુંયે તેઅો પસંદ કરતા ન હતા. જુઅો અા શેર :

ગુફતગૂ રેખતે મેં હમ સે ન કર
યે હમારી ઝબાન હય, પ્યારે

અને મીર સાહેબના અદ્દભુત અશઅાર, જે નોંધ્યા વિના મીર સાહેબ વિશેનો કોઈ પણ લેખ અધૂરો, અયોગ્ય જ ગણાય :

દેખ તો દિલ કે જાં એ ઉઠતા હય
યે ધૂવાં-સા કહાં સે ઉઠતા હય

બૈઠને કૌન દે હય ફિર ઉસ કો
જો તેરે અાસતાં સે ઉઠતા હય

ઈશ્ક ઈક ‘મીર’ ભારી પત્થર હય
કબ યે તુજ નાતવાં સે ઉઠતા હય
......
પત્તા પત્તા, બૂટા બૂટા હાલ હમારા જાને હય
જાને ન જાને ગુલ હી ન જાને બાગ તો સારા જાને હંય !
......
‘મીર’ ઉન નીમ-બાઝ અાંખોં મેં
સારી મસ્તી શરાબ કી સી હય

અબ તો જાતે હંય મયકદે સે ‘મીર’
ફિર મિલેંગે અગર ખુદા લાયા.

મીર સાહેબે ફક્ત ગઝલો નથી લખી. રુબાઈયાત, મસનવી, મુઅદ્દસ, કસીદા વગેરે પણ ઘણાં લખ્યાં છે. પણ મૂળ તો તેઅો ગઝલકાર, અને ગઝલે અમર કરી દીદા છે.

અા મહાન શાયરના અશઅાર અગર અહીં નહીં નોંધું તો અન્યાય કર્યો ગણાશે. વાંચો, માણો :

તયશે સે કોહકન કે દિલે કોહ જલ ગયા
નિકલે હંય સંગ - સંગ સે અકસર શરાર હ્નોઝ

હમ હુએ, તુમ હુએ કે ‘મીર’ હુએ
ઉસ કી ઝુલ્ફ કે સબ અસીર હુએ

ફિરે હંય ‘મીર’ ખાર, કોઈ પૂછતા નહીં
ઈસ અાશકી મેં ઈઝ્ઝતે અાદાત ભી ગઈ

મોસમ અાયા તો નખલે-દાર મેં ‘મીર’
સરે મન્સૂર હી કા બાર અાયા

સિરહાને ‘મીર’ કે કોઈ ન બોલો
અભી ટુક રોતે રોતે સો ગયા હય

પહુંચા જો અાપ કો તો મૈં પહુંચા ખુદા કે તઈં
મઅલુમ અબ હુવા કે બહુત મૈં ભી દૂર થા

અઘરા શબ્દોના અર્થ : તયશા = કોદાળી; કોહકન = પહાડ તોડનાર; શરાર = તણખા; હ્નોઝ = હજી પણ; અસીર = બંદી; નખલે-દાર = ફાંસીનું વૃક્ષ; બાર = વજન.

[136 Stamford Street, Old Trafford, MANCHESTER M16 9LR. U.K.]

Category :- Opinion Online / Literature