OPINION

માર્ચ ૨૭ એટલે ‘વર્લ્ડ થિયેટર ડે.’

આપણને નાટકો જોવામાં થોડો રસ ખરો, વાંચવામાં નહિ. અને આવા દિવસની રંગેચંગે ઉજવણી કરવાની તો વાત જ ક્યાં? દસ્તાવેજીકરણ – ડોક્યુમેન્ટેશનમાં તો આપણને રસ જ શેનો પડે? ભૂતકાળને ભૂલી જનારા આપણે. વર્લ્ડ થિયેટર ડે નિમિત્તે આજે આપણી ભાષામાં પહેલવહેલા મૌલિક અને પુસ્તક રૂપે છપાયેલા નાટકનો અહીં પરિચય આપ્યો છે. અને હા, આ નાટકના લેખક મૂળ સુરતના વતની હતા એ હકીકત આપણે માટે સવિશેષ મહત્ત્વની.

“ગુજરાતીમાં હજુ સુધી આવું નાટક લખાઉં નથી ને આ પેલું છે. માટે એમાંની ખોડોને વાસ્તે માફ માગવાનો મને વધારે હક છે એવો મારો વિચાર છે.” આ શબ્દો લખાયા છે ૧૮૬૨ના ઓગસ્ટની પાંચમી તારીખે. લખનાર છે નગીનદાસ તુલસીદાસ. ઉંમર વર્ષ બાવીસ. વ્યવસાય? મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ.

એ ઉંમરે પણ પોતાની પહેલી કૃતિને વિવેચકની દૃષ્ટિથી જોઈ શકે એટલા પરિપક્વ હતા નગીનદાસ. પ્રસ્તાવનામાં લખે છે : “આ નાટકના પહેલા બે અંકો અને છેલ્લા ત્રણ અંકોમાં કંઈ જ સંબંધ નથી એવું કેટલાકને લાગશે, પણ ઊંડી નજરે જોતાં માલમ પડશે કે તેઓમાં સંબંધ છે.” એ જમાનામાં આ નાટક દ્વારા લેખકે પુખ્તવયે થતા પ્રેમલગ્નનો પુરસ્કાર કર્યો છે. અલબત્ત, એ વખતે જ્ઞાતિપ્રથાની પકડ એટલી મજબૂત હતી કે નાટકનાં નાયક-નાયિકા ભોગીલાલ અને ગુલાબ બન્ને એક જ જ્ઞાતિનાં છે એવું લેખકે જણાવવું પડ્યું છે. પ્રસ્તાવનામાં નગીનદાસ કહે છે : “આપણા લોકો નાતોમાં જ છોકરાં પરણાવવા ને નહાનપણે પરણાવવા, સારું છે એમ ગણે છે તે ખોટું છે, અને તેને બદલે કઈ રીતે લગ્ન કરવા તે હું તેમને આ વાંચીને પોતાની મેળે વિચારવાને રહેવા દેઉ છું.” સુધારાનો પુરસ્કાર કરવાની ધગશ ખરી, પણ તે માટેનો હઠાગ્રહ નથી અહીં.

ગુલાબ નાટક આપણા બે ભ્રમ ભાંગી શકે તેમ છે. પહેલો ભ્રમ એ કે સરકારી કામકાજમાં લાંચરુશ્વત, ભ્રષ્ટાચાર, એ આઝાદી પછીની આપણી સરકારોએ આપણને આપેલી ભેટ છે. આ નાટક વાંચતાં સમજાય કે કાગડા બધે જ કાળા હોય છે એટલું જ નહિ, આજે છે તેવા જ કાળા ઓગણીસમી સદીમાં પણ હતા. બંદરના સરકારકૂન જીજીભાઈ અને એક આડતિયા નરિયા વચ્ચેનો આ સંવાદ જુઓ :

જીજી : બોલ નરીઆ, તેં ઘી મોકલાવ્યું’તું કે નહિ? તેં તો નહિ જ મોકલાવ્યું હોય. બચ્ચા તારું તો કોઈ દહારો ઠોબરૂં જ અટકાવસ તારે તુ થેકાને આવસે. દોર સવારે લઈને આવજે.

નરીઓ : અરે મુરબ્બી સાહેબ, જરા ઘરમાં ખબર તો કાહાડો, પછી ઘુસ્સે થાઓ. એમ ગરીબ વાનીઆ પર સું ઘુસ્સે થાઓ છો. બપોરનું મોકલાવ્યું છું.

જીજી : હું માનું નહિ. પૂછી જોવા દે, -- મોબેત.

મોબેત : જી.

જીજી : આ મારફતીઓ ઘી મન ૧ આપી ગયોચ?

મોબેત : હા જી.

જીજી : જાઓ – લાવ નરીઆ, તને સહી તારે કરી આપસ.

અને હા, આ વાતચીત ખાનગીમાં નથી થતી, બીજા આડતિયાઓની હાજરીમાં જ થાય છે, અને બધા પાસેથી જીજીભાઈ કંઈ ને કંઈ આ રીતે ઉઘરાવે છે. ફરક હોય તો એટલો કે પૈસાની નહિ, ચીજવસ્તુઓની લાંચ લે છે. અલબત્ત, અમદાવાદની ‘મહાપાઠશાળા’માં અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ પામેલો ભોગીલાલ માત્ર પ્રેમલગ્ન કરવામાં જ રોકાયેલો નથી રહેતો. લાંચરુશ્વતની સામે મોરચો પણ માંડે છે. અદાલતમાં જીજીભાઈ સામે કેસ માંડે છે અને જીતે છે. એટલું જ નહિ, અદાલતના ચુકાદાને કારણે જેમને આર્થિક રીતે સહન કરવું પડ્યું છે, તેમને એ જ ભોગીલાલ આર્થિક મદદ તો કરે જ છે, પણ તેમની નોકરી પણ બચાવે છે. અને એ રીતે ‘તું પાપ સાથે નવ પાપી મારતો’ નો આદર્શ પાળી બતાવે છે.

આપણા સાહિત્યના વિવેચન અને ઇતિહાસમાં એક ભ્રમ એવો ફેલાયો છે કે આપણા સાહિત્યમાં પ્રાદેશિક કે વર્ગવિશેષની બોલીનો ઉપયોગ તો ગાંધી યુગથી જ શરૂ થયો. પણ આ નાટકના પહેલા બે અંકમાં લેખકે એ જમાનામાં બોલાતી વિવિધ બોલીઓનો ભરપટ્ટે ઉપયોગ કર્યો છે. સુરતી વેપારીની બોલી, ખલાસીઓ અને બંદર પરના મજૂરોની બોલી, પારસી તથા નાગર અમલદારોની બોલી, અરે, બ્રિટીશ જજની અંગ્રેજી મિશ્રિત ગુજરાતી બોલી. અહીં પાત્ર અને પ્રસંગને અનુરૂપ થાય એવી રીતે પ્રયોજાઈ છે. અદાલતના સીનમાં તો બોલીઓનો ભરપટ્ટે ઉપયોગ કરવાની તક લેખકને મળી ગઈ છે. અંગ્રેજ જજ, અદાલતનો નાગર અધિકારી મધુવછરામ, અને જુદી જુદી કોમના સાક્ષીઓ. દાયકાઓ પછી ચંદ્રવદન મહેતાએ લખેલા નાટક ‘આગગાડી’ના પ્લેટફોર્મ સીનનો પુરોગામી બની રહે તેવો આ કોર્ટ સીન છે. અંગ્રેજ જજ, મધુવછરામ અને ટંડેલ સાક્ષી વચ્ચેનો આ સંવાદ જુઓ :

જજ : તમે સોગન ખાઓ ને કોહો કે તમારું નામ જોગી બીજા ચે.

જોગી (ઘભરાઈને ધ્રુજતો ધ્રુજતો) : અરે છાએબ, મને કોલીડાને તે તમે છું ‘તમે’ કોહો!

બળવછ : એમાં તું નાહાના માબાપનો થઇ ગયો કે લોંઠા? સીધો સાહેબને જવાબ દે, સાહેબ કેહે છે કે તારું નામ જોગી બીજા?

જજ : બેલવેચરેમ, તમે ગરીબ આદમીને ગભારાવો નહિ. ગરીબ લોકો શું કોર્ટની વાત જાને? બોલ, તુને કેમ મેં હઇ બોલાવ્યો ચે?

જોગી : છાબ! મને છારૂં બોલતા નથી આવડતું. જેવું બોલાછે તેવું બોલું છું. મને મારા છેઠની તરફથી છાએથી પુરાવા બોલાવ્યો છે.

પ્રસ્તાવનામાં લેખકે એક બીજી વાત કરી છે જે પૂરેપૂરી સાચી લાગતી નથી. તેઓ કહે છે : “મને સંસ્કૃત ભાષા આવડતી નથી માટે તેમાં નાટકો કઈ પ્રકારે લખાય છે તે વાતની મને ખબર નથી. મેં આ નાટકનું બંધારણ અંગ્રેજી નાટકો પરથી બાંધેલું છે.” ગુલાબ નાટકના પહેલા બે અંકોમાં તો સંસ્કૃત નાટકોનો પરિચય હોય તે જરૂરી પણ નથી. પણ પછીના ત્રણ અંકો જોતાં લાગે છે કે કંઈ નહિ તો કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુન્તલ’ નાટકથી તો લેખક પરિચિત હોવા જ જોઈએ. તેમણે એ નાટક સંસ્કૃતમાં ન વાંચ્યું હોય તો તેનો અંગ્રેજી અનુવાદ વાંચ્યો હોવો જોઈએ. એ નાટકના પહેલા બે ગુજરાતી અનુવાદ (એક ઝવેરીલાલ યાજ્ઞિકનો અને બીજો દલપતરામ ખખ્ખરનો) તો ૧૮૬૭માં, ગુલાબ છપાયા પછી, પ્રગટ થયા એટલે ગુજરાતી અનુવાદ વાંચ્યો હોય એ શક્ય નથી. પણ નાયક ભોગીલાલ અને નાયિકા ગુલાબ વચ્ચેના પ્રેમસંબંધનો જે રીતે પ્રારંભ થાય છે અને પછી તેનો વિકાસ થાય છે તેના પર શાકુન્તલની સ્પષ્ટ અસર છે. વળી આખા નાટકમાં – પહેલા બે અંકમાં પણ – નગીનદાસે વચમાં વચમાં શ્લોક ગોઠવ્યા છે. સંસ્કૃત નાટકના પરિચય વગર એ શક્ય બને?

પણ આ નગીનદાસ હતા કોણ? ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના અગિયાર ભાગમાં તેમનું નામનિશાન મળતું નથી. ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કરેલા ‘ગુજરાતી સાહિત્યકોશ’ના બીજા ભાગમાં તેમને વિષે ‘અધિકરણ’ છે. પણ અમદાવાદી વિવેચકોની ટૂંકી દૃષ્ટિના પુરાવા જેવું છે. તેમાં આ ગુલાબને નહિ, પણ દલપતરામના ‘લક્ષ્મીનાટક’ અને ‘સ્ત્રીસંભાષણ’ને આપણી ભાષાનાં પહેલાં નાટકો ગણાવ્યાં છે. તેમાનું પહેલું મૌલિક નથી, એરિસ્તોફેનિસના નાટકનું રૂપાંતર છે, અને બીજું તો નાટક જ નથી. તેના ટાઈટલ પેજ પર જ છાપ્યું છે તેમ એ છે ‘ગુજરાતી બાયડીઓની વાતચીતનું વર્ણન.’ પણ ગુજરાતી સાહિત્યની વાત આવે ત્યારે દરેક ક્ષેત્રમાં પહેલ કરનાર તો કોઈ ને કોઈ અમદાવાદી જ હોવો જોઈએ એમ ઘણા વિવેચકો માને છે. ખેર. ચંદ્રવદન મહેતાએ ભારે મહેનત કરી નગીનદાસનું પગેરું શોધ્યું. તે પ્રમાણે, નગીનદાસનો જન્મ સુરતમાં, ૧૮૪૦માં. વેપારી કુટુંબ. આડતિયાનું કામ એટલે અટક પડી મારફતિયા. પ્રાથમિક શિક્ષણ સુરતમાં. પછી આગળ ભણવા મુંબઈ ગયા. ૧૮૬૨માં મુંબઈ યુનિવર્સિટીએ પહેલી વાર બી.એ.ની પરીક્ષા લીધી. તેમાં માત્ર ચાર છોકરાઓ પાસ થયેલા, ચારે મરાઠીભાષી. બીજે વર્ષે, ૧૮૬૩માં લેવાયેલી પરીક્ષામાં પાસ થઈ નગીનદાસ પહેલવહેલા ગુજરાતી ગ્રેજ્યુએટ બન્યા. પોતે ભણેલા તે એલ્ફિન્સ્ટન કોલેજમાં જુનિયર દક્ષિણા ફેલો તરીકે કામ કર્યું. પછી વકીલ થયા, વકીલાત કરી. કોલેજમાં ભણતા ત્યારથી કવિ નર્મદ સાથે દોસ્તી. આ ગુલાબ નાટક નગીનદાસે નર્મદને જ અર્પણ કર્યું છે. નર્મદના સાપ્તાહિકનું “ડાંડિયો” નામ પાડનાર પણ આ નગીનદાસ જ. તેમાં અવારનવાર લખતા પણ ખરા. ગુલાબ ઉપરાંત બીજું એક નાટક ‘માણેક’ પણ લખેલું જે ત્રિમાસિક “બુદ્ધિવર્ધક ગ્રંથ”માં પ્રગટ થયેલું. પણ પુસ્તકરૂપે પ્રગટ થયું હોવાનું જાણવા મળતું નથી. મુંબઈ યુનિવર્સિટી વિષે લખેલું પુસ્તક ૧૮૬૯માં પ્રગટ થયેલું. આ યુનિવર્સિટી વિષે કોઈ પણ ભાષામાં લખાયેલું આ પહેલું જ પુસ્તક. નગીનદાસ આમ તો રોજ હવેલીમાં દર્શને જતા, ત્યાં બેસી ભજનો ગાતા. પણ મહારાજ લાયબલ કેસમાં સુધારાવાદીઓની સાથે રહેલા. નર્મદનાં પુનર્લગ્નને પણ તેમણે ટેકો આપેલો અને નર્મદના અવસાન પછી પણ તેની પત્નીઓ ડાહીગૌરી, સવિતાગૌરી, અને પુત્ર સાથે સંબંધ ચાલુ રાખેલો. ૧૯૦૨માં બાસઠ વર્ષની વયે નગીનદાસનું અવસાન થયું.           

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 23 માર્ચ 2014

Category :- Opinion Online / Literature

હોળીનો તહેવાર તો હતો 16મી માર્ચના, પણ ઇન્ડિયન એસોસીએશન, માન્ચેસ્ટર તરફથી તારીખ 23મી માર્ચને દિવસે માન્ચેસ્ટરના પ્લાટફિલ્ડ પાર્કમાં, નાનકડી તળાવડીને કાંઠે, ધુળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવેલું !

ભાઈ, આ તો માન્ચેસ્ટર એટલે વરસાદ આવે તો જ તેનું અસ્તિત્વ સાર્થક થાય, પણ અમને એટલાથી સંતોષ ન વળ્યો, તે કરાંની બૌછાર વચ્ચે અમે તો ઉત્સવની જમાવટ કરી. છેવટ જો કે સૂરજદાદાને પણ અમારી સાથે જોડાવાનું પ્રલોભન થયું।

લાલ, પીળો, લીલો, જાંબલી, વાદળી, કેસરી અને ગુલાબી રંગો અમે નાની નાની ડબ્બીઓમાં વેંચ્યા ! ધીમે ધીમે લોક ઉમટતું ગયું. અર્ધા કલાકમાં તો યુનિવર્સિટીમાં ભણતાં યુવક-યુવતીઓથી મેદાન ભરાઈ ગયું. રંગના વેચાણમાંથી માથું ઊંચું કરીને જોયું તો આખેઆખાં કુટુંબ સાથે આવેલ લોકો હતાં, ચાર મહિનાનું બાળક અને પંચોતેર વર્ષની દાદીમા પણ હતાં.

મજાની વાત તો એ બની કે રંગ ખરીદવા આવે ત્યારે જમૈકન, પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, અંગ્રેજ, મરાઠી, આઈરીશ, આફ્રિકન, પંક, ગે, યુરોપિયન અને મન્ક્યુનિયન એમ જાત જાતના લોકો આવ્યાં છે એવો અહેસાસ થયો પણ રંગોના છંટકાવ થયા પછી રંગો વચ્ચે ઢંકાયેલા ચહેરાઓ અને નાચતાં-કૂદતાં લોકો વચ્ચે ફરતાં લાગ્યું કે એ તો બધા માત્ર રંગ રસિયા હતાં. એ બધાની ઓળખ જાણે એ સપ્ત રંગોની મિલાવટમાં ઓગળી ગઈ. એ વખતે સહુ જાણે વૃન્દાવનમાં હોળી ખેલવા એકઠાં થયેલ ગોપ-ગોપીઓ જેવા લાગતાં હતાં.

એક હાથે રંગ ભરી પોટલી આપીને બીજે હાથે બદલામાં રોકડ લેતાં ભારતમાં હતી ત્યારે કેવો ગુલાલ ઉડતો હતો તેની સ્મૃિતઓ સળવળી ઊઠી એટલે સામે આવેલા ંયુવક-યુવતીઓને અમે કેવા સુતેલી ભોજાઈને ગળે કંકુના લપેડા કરેલા, મિત્રોના ચહેરાઓ પર કાજળની મૂછો બનાવેલી, ઘેર આવેલ મામા-માસીને તેમની પીઠ તરફથી આવીને કપાળે રંગ ચોપડેલો તે વાતો કરતી રહી. તેમાં ય જંગલમાં કેસૂડાં વીણવા જતાં એ યાદથી તો આંખો ભીની થઈ ગઈ. એ કેસૂડાનાં ફૂલોના આકાર, એક જ ફૂલમાંના ચચ્ચાર રંગોની જમાવટ અને ગરમ પાણીમાં પલળવાથી એમાંથી છૂટતી ફોરમનું મારું વર્ણન સંભાળીને ટોળે વળેલ લોકો કહેવા લાગ્યા, ‘અહીં એ મગાવોને!’ એકે કહ્યું, ‘મારે ભારત જવું છે.’

મેં હોળીનો ઉલ્લાસ ભરપૂર માણીને થાક ઉતારતી બે બહેનો વચ્ચે વાર્તાલાપ સાંભળ્યો, ‘અહીં આલ્કોહોલ નથી વેચાતો, છતાં લોકો કેવા ખુશ થઈને નાચે-ગાય છે!’ મેં તેમને નવરાત્રીના ઉત્સવમાં જોડાવાનું આમત્રણ આપતાં કહ્યું કે અમે હજાર-બારસોની સંખ્યામાં આવેલ નાર-નારીઓ એક એક પ્લેટ ભેળ-ચાટ કે સમોસાં સાથે પાણી, કોક કે સ્પ્રાઈટ પીને ચાર-પાંચ કલાક મધરાત સુધી વણથંભ્યા રાસ લઈએ છીએ એ જોઈને તમને ખ્યાલ આવશે કે આનંદનો અનુભવ કરવા એક સરખા રસ ધરાવતા લોકોની હાજરી, સુંદર સંગીત અને તાલ સિવાય કશું જરૂરી નથી.

એ બહેનોને મેં કહ્યું કે એમ તો આ હોળીના તહેવાર સાથે જોડાયેલ વાર્તા પણ જાણવા જેવી છે, તો મને આગ્રહ કરીને સંભળાવવા કહ્યું, એટલે એ 20-25 વર્ષની ઉંમરની, એ ઉત્સુક બહેનોને, પ્રહ્લાદની વાર્તા કહી. જે સાંભળીને તેઓ બોલી ઊઠ્યાં, તમે એક કથાકાર છો? આવતે વર્ષે હોળી ખેલવા સાથે વાર્તા પણ કહો તો કેવું? મેં સ્વીકાર્યું કે હા, નાનાં બાળકોને એ ગમે, તો શરમાઈને નીચું જોઈને કહે, ‘ખરેખર તો અમને બહુ મજા આવી’. આ રીતે હોળી રમવાની સગવડ કરી આપવા બદલ લોકો આભાર માને, આવતે વર્ષે ક્યારે ઉજવશો એમ પૂછે, રંગ ખલાસ થાય તો હવે એક આખું વર્ષ રાહ જોવી ન પોસાય, તેના કરતાં તરત બીજો રંગોત્સવ કરોને એવી માંગણી કરતાં લોકોનો અદમ્ય ઉત્સાહ અને આનંદ જોવાથી પાનો ચડે એમાં નવી કશી?

આ અનુભવને વાગોળતાં ઘર ભણી વળતી હતી ત્યાં ચહેરા અને કપડાં પૂરેપૂરાં રંગેલ હોય તેવી સ્થિતિમાં લોકોને માન્ચેસ્ટરના રસ્તાઓ પર ચાલતાં જોયાં ત્યારે થયું, ‘79ની સાલમાં મને ‘તમારી ક્રિસ્ટમસ જેવી ઉજવણી ક્યારે હોય?’ એમ પૂછનાર પ્રજા અત્યારે અમારી સાથે હોળી, દિવાળી, વૈશાખી, પ્રજાસતાક અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી હોંશે હોંશે કરે છે. ખરું જુઓ તો આ તહેવારની પાછળ કોઈ પણ જાતના ઉંમર, નાત-જાતના કે ભાષા-ધર્મના ભેદભાવ વગર નિર્ભેળ-નિર્દોષ આનંદ કરવાની તક મળે છે તેને કારણે તેની ચાહના વધવા પામી છે. આજની પ્રજાને એકબીજા સાથે સાંકળનાર અસામાજિક અને આતંકવાદી તત્ત્વો વધુ નજરે પડે છે ત્યારે સામાજિક મેલજોલના આ માહોલને જોઈને હૈયામાં એક પ્રકારનો સંતોષ અનુભવ્યો અને તેને કારણે હોળીનો તહેવાર ખરેખર પવિત્ર બન્યો તેવું લાગ્યું!

અમને તો એવી આશા છે કે હવે ‘આ મારો ધર્મ, મારા તહેવારો, મારી નૈતિક બોધ આપનારી વાર્તાઓ’ અને ‘આ તમારો ધર્મ, તમારા તહેવારો, તમારી વાર્તાઓ’ અમે ‘અમારી રીતે, અમારા લોકો સાથે ઉજવીએ’, તમે ‘તમારી રીતે તમારા લોકો સાથે ઉજવો’ એવી રીત રસમ ખત્મ થશે અને ‘ચાલો હું તમને એક ધર્મની વાત કહું, તેમાંના સિદ્ધાંતોનો અમુક અર્થ છે, એમાં આવી આવી વાર્તાઓ છે, એ નીતિમત્તાનો બોધ ગ્રહણ કરવા વિવિધ તહેવારો ઉજવાય છે, તો ચાલો આપણે બધા એ સાથે મળીને ઉજવીએ’ એવું બનશે ! એક દિવસ એવો આવશે જ્યારે બધા લોકો નાતાલ, દિવાળી, ઈદ, બૈસાખી, બુદ્ધ પૂર્ણિમા અને જુઇશ નવ વર્ષ તેના વિષે પૂરતી જાણકારી સાથે ભેળાં મળીને ઉજવશે!

e.mail : 71abuch@gmail.com

Category :- Opinion Online / Opinion