OPINION

દિલ્હીના મામલાને બહુ ખેંચવામાં સાર નથી, એનું ભાન કેન્દ્ર સરકારને થઈ ગયું હોય એમ લાગે છે. મંગળવારે દિલ્હીના સનદી અધિકારીઓના એસોસિયેશને નિવેદન બહાર પાડ્યું છે કે દિલ્હી સરકારના સનદી અધિકારીઓ હડતાલ પર નથી અને તેઓ કેજરીવાલ સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર છે. આ પહેલાં છેલ્લા એક અઠવાડિયાથી તેઓ એકનો એક રાગ આલાપતા હતા કે તેઓ હડતાલ પર ગયા નથી, તેમણે કોઈ ફરજ બજાવવાનું અટકાવ્યું નથી, માત્ર દિલ્હીના પ્રધાનોની રાબેતાની બેઠકોમાં હાજરી આપતા નથી. તેમનો પ્રતિકાર મર્યાદિત સ્વરૂપનો છે અને તે આત્મગૌરવ માટેનો છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ પહેલાં જ સનદી અધિકારીઓને આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત કોઈની પણ સામે રક્ષણ આપવાની જવાબદારી લીધી હતી. તેમણે અધિકારીઓનું સન્માન જળવાય એની બાંયધરી આપી હતી. આના પ્રતિસાદમાં એ સમયે અધિકારીઓ કહેતા હતા કે સમાધાનનો કે બાંયધરીનો સવાલ જ ક્યાં છે, જ્યારે અમે હડતાલ પર જ નથી. હંમેશ મુજબ વડા પ્રધાન ચૂપ છે, પણ આશ્ચર્યની વાત એ છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ પણ ચૂપ છે, જે દાવો કરી રહ્યા છે કે દિલ્હીમાં શાસનનો ખરો અધિકાર તેઓ ધરાવે છે. વડા પ્રધાન તો નિ:શંક સત્તા ધરાવે છે અને એલ.જી. સત્તા ધરાવતા હોવાનો દાવો કરે છે, પણ આમ છતાં ય તેમને તેમની ફરજની યાદ અપાવવામાં આવે ત્યારે તેઓ બન્ને શાહુડીની જેમ રેતીમાં મોં છુપાવી દે છે. એટલે તો દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનોજ સિસોદિયાએ સનદી અધિકારીઓની વાતચીત કરવાની ઓફરનો સ્વીકાર કરતા શરત રાખી છે કે બેઠક અનિલ બૈજલની હાજરીમાં થવી જોઈએ કે જેથી તેઓ નવી રમત ન રમે.

કૂણા સનદી અધિકારીઓ નથી પડ્યા, કેન્દ્ર સરકાર પડી છે. તેમને સમજાઈ ગયું છે કે હવે બહુ ખેંચવામાં લાભ કરતા નુકસાન વધુ છે. એક તો દિલ્હીની પ્રજાનો મૂડ રવિવારના આમ આદમી પાર્ટીના મોરચામાં નજરે પડ્યો હતો. ટૂંકી નોટિસ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો મોરચામાં જોડાયા હતા. મોરચો મંડી હાઉસથી વડા પ્રધાનના નિવાસ સ્થાને જવા નીકળ્યો હતો અને તેમાં ક્રમશ: સંખ્યા વધતી જતી હતી. મોરચો જ્યારે સંસદ માર્ગ પર પહોંચ્યો ત્યારે મોરચો કાઢવા માટે પોલીસની મંજૂરી લેવામાં આવી નથી, એમ કહીને પોલીસે મોરચાને અટકાવી દીધો હતો. અરવિંદ કેજરીવાલે પણ અથડામણમાં ઊતરવાની જગ્યાએ હવે પછી જરૂર પડ્યે ફરી મોરચાનું આયોજન કરવામાં આવશે, એમ કહીને મોરચો આટોપી લીધો હતો. આ એક ઘટના પરથી કેન્દ્ર સરકારને સમજાઈ ગયું હતું કે દિલ્હીની પ્રજા કેવો મૂડ ધરાવે છે.

બીજી ઘટના વિરોધ પક્ષોની દિવસોદિવસ મજબૂત થઈ રહેલી એકતા છે. ચારે બાજુથી દિલ્હી સરકારને ટેકો મળી રહ્યો છે. નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા દિલ્હી ગયેલાં પશ્ચિમ બંગાળ, કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના મુખ્ય પ્રધાનો અલગથી વડા પ્રધાનને મળ્યા હતાં અને તેમણે વડા પ્રધાનને વિનંતી કરી હતી કે દિલ્હી સરકાર ચૂંટાયેલી સરકાર છે અને તેને કામ કરવાની તક આપવામાં આવે. દિલ્હી સરકાર માટે સહાનુભૂતિનું મોજું એટલું તીવ્ર છે કે દિલ્હી સરકારના ધરણાનો વિરોધ કરી રહેલી કોંગ્રેસે પણ વલણ બદલવું પડ્યું છે.  સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ મમતા બેનર્જીને મળ્યા હતા અને કોંગ્રેસ પક્ષ તેની ભૂમિકાની પુન:સમીક્ષા કરશે એવી ખાતરી આપી હતી.

આ ઉપરાંત તામીલનાડુના ડી.એમ.કે.ના નેતા સ્તાલિને, તાજાતાજા રાજકારણમાં પ્રવેશેલા કમલ હાસને, બી.જે.પી.ના સંસદસભ્ય શત્રુઘ્ન સિંહાએ ટેકો આપ્યો છે. કેન્દ્ર સરકારને એક વાતની ખાતરી થઈ ગઈ હોય એમ લાગે છે કે દાદાગીરી કરીને અને વિરોધ પક્ષો સાથે ચારે બાજુ બાખડીને બી.જે.પી. તેમની એકતા માટે મજબૂત કારણ આપી રહી છે. આને કારણે તેમની વચ્ચે એકતા નહીં થવાની હોય તો પણ થશે. જો આમ ન હોય તો સર્વોચ્ચ અદાલતના બે જજોએ કેજરીવાલ સરકારની વિરુદ્ધ નુક્તેચીની કરવા છતાં સનદી અધિકારીઓ કૂણા શા માટે પડ્યા? સર્વોચ્ચ અદાલતે સોમવારે દિલ્હી સરકારને પૂછ્યું હતું કે કોઈના ઘરમાં કે ઓફિસમાં ઘૂસીને ધરણા કરવાનો અને કબજો જમાવવાનો અધિકાર તમને કોણે આપ્યો? સર્વોચ્ચ અદાલતનું વલણ જોતાં એવી શક્યતા ખરી કે સર્વોચ્ચ અદાલત એલ.જી.ની ઓફિસ ખાલી કરવાનો અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓને આદેશ આપે, પરંતુ અદાલત હવે પછીની સુનાવણી વખતે આવો આદેશ આપે ત્યાં સુધીમાં કેન્દ્ર સરકારને અને બી.જે.પી.ને ઘણું નુકસાન થઈ શકે એમ છે.

અરવિંદ કેજરીવાલે બે વાત સાબિત કરી આપી છે. યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને પક્ષમાંથી તગેડી મૂકીને તેમણે સાબિત કરી આપ્યું છે કે તેઓ મોટા નેતા નથી, પરંતુ એ સાથે જ દિલ્હીમાં અનેક વિઘ્નો વચ્ચે દિલ્હીની જનતા યાદ રાખે એવું કામ કરીને સાબિત કરી આપ્યું છે કે તેઓ મોટા શાસક છે. કેરળ સહિત ભારતનું કોઈ પણ રાજ્ય ધડો લઈ શકે એવું નેત્રદીપક કામ કેજરીવાલ અને તેમના સાથીઓએ શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે દિલ્હીમાં કરી બતાવ્યું છે. વડા પ્રધાન અને બી.જે.પી.ના નેતાઓને આ વાત કઠે છે.

આશા રાખીએ કે દિલ્હીની મડાગાંઠનો આવતા એક-બે દિવસમાં અંત આવશે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 જૂન 2018

Category :- Opinion / Opinion

મહેન્દ્ર મેઘાણી આજે 96માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

અનન્ય ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના ચિરંજીવી મહેન્દ્રભાઈ ગયા 70 વર્ષથી ગુજરાતનાં ઘરઘરમાં સારું વાંચન પહોંચે તે માટે અવિરત કાર્યરત રહ્યા છે. હમણાં વીતેલાં તેમનાં 95માં વર્ષમાં તેમણે ‘નહીં વીસરાતાં કાવ્યો’ નામનું પુસ્તક સંપાદિત કર્યું. તેમાં ‘અવારનવાર સંભારવાનું મન થાય તેવાં, સો કવિઓનાં સો કાવ્યો’ તેમણે મૂક્યાં છે.  તે પહેલાંનાં વર્ષમાં ‘આપણાં સંતાનો’, ‘આપણી ધાર્મિકતા’, 'આપણો ઘરસંસાર’ અને ‘આપણાં બા’ નામનાં પુસ્તકો તેમણે તૈયાર કર્યાં. તેમાં અનેક લેખકોનાં ચૂટેલાં લખાણો વાંચવા મળે છે.

મહેન્દ્રભાઈએ તૈયાર કરેલાં લગભગ બધાં એટલે કે સો કરતાં વધુ પુસ્તકો આ પ્રકારનાં છે. મહેન્દ્રભાઈ અન્ય સામયિકો કે પુસ્તકોમાં વાંચવાં મળેલાં ઉત્તમ લખાણોને ટૂંકાવીને નજીવી કિંમતે પ્રસિદ્ધ કરીને લોકો સુધી પહોંચાડે છે. ઉત્તમ, આનંદદાયી, સંસ્કારક્ષમ, વૈવિધ્યપૂર્ણ અને સારા માણસનું ઘડતર કરે તેવું વાચન બહુ ઓછા દરે મળતું રહે તે માટે મહેન્દ્રભાઈએ ભાવનગરમાં 1968માં શરૂ કરેલાં ‘લોકમિલાપ’ પ્રકાશન થકી સતત પુસ્તકો બહાર પાડ્યાં. 'પુણ્યનો વેપાર' કરવા માટે આ ધંધામાં પડ્યા હતા, એટલે નહીં નફો, નહીં નુકસાન જેવી આર્થિક ગોઠવણ ‘પૂરતાં શાકરોટલા મળે’ એવી કુનેહથી કરી.

પુસ્તક પ્રકાશન માટેના ત્રણ માર્ગદર્શક સિદ્ધાન્તો મહેન્દ્રભાઈ પાસે છે : આ દેશના સાધારણ પુસ્તકપ્રેમી પાસે પુસ્તક વાંચવા માટે સમય ઓછો હોય છે, એટલે પુસ્તકનાં લખાણ ટૂંકાં અને પાનાં ઓછાં, પુસ્તક મૂકવા માટે જગ્યા ઓછી હોય છે એટલે પુસ્તકનું કદ નાનું, અને પુસ્તક ખરીદવા માટે પૈસા ઓછા હોય છે એટલે પુસ્તકની કિંમત ખૂબ ઓછી. આ મુજબ લોકમિલાપે 100 કરતાં વધુ પુસ્તકો બહાર પાડ્યાં. ગુજરાતી સાહિત્ય, ગાંધી વિચાર, રવીન્દ્રનાથ ટાગોરનું સાહિત્ય અને અંગ્રેજી ભાષાની નિવડેલી કૃતિઓના અનુવાદ જેવાં પુસ્તકોની અત્યાર સુધી અક્ષરશ: લાખો નકલો વાચકોને પહોંચાડી. સાતમા દાયકાનાં ‘કાવ્યકોડિયાં’થી લઈને હમણાંની ‘મોતીની માળા’ જેવી પુસ્તિકાઓ અથવા ખિસ્સાપોથીઓનું વેચાણ તો પાર વગરનું રહ્યું છે.

ભાવનગરનો ‘લોકમિલાપ’ પુસ્તકભંડાર પણ વાચનપ્રેમીઓનું તીર્થસ્થાન રહ્યો છે. કર્મભૂમિ ભાવેણા ઉપરાંત દેશવિદેશમાં પણ મહેન્દ્રભાઈ પુસ્તક પ્રદર્શનોમાં હિસ્સો લઈને વાચનપ્રસાર કરતાં રહ્યા છે. આ પ્રદર્શનોમાં તે લોકમિલાપનાં પ્રકાશનો ઉપરાંત ઓછી કિંમતવાળા પણ સારાં પુસ્તકો વેચવાનું ધ્યેય રાખતા. મહેન્દ્રભાઈ 65 વર્ષની તેમની ઉંમરથી એકાદ દાયકા દરમિયાન વાચનયાત્રા માટે પણ જાણીતા હતા. તે એક માર્ગક્રમ (રૂટ) નક્કી કરીને તેમાં આવતાં પરિવારો, સંસ્થાઓમાં અને ગામડાંમાં જઈને લોકોના સમૂહને ઉત્તમ સાહિત્ય-સામગ્રી મોટેથી વાંચી સંભળાવવાનો કાર્યક્રમ કોઈપણ ઔપચારિક સમારંભ તેમ જ સન્માન-પુરસ્કાર વિના કરતા. પિતાશ્રીની 90મી જન્મજયંતિના વર્ષ 1986 માં તેમણે નેવું ગામની નેવું દિવસની વાચનયાત્રા કરી હતી. ‘અરધી સદીની વાચનયાત્રા’ નામનાં દળદાર સંકલન સંચયોના પાંચ ભાગ થકી મહેન્દ્રભાઈ એકવીસમી સદીમાં પણ ખૂબ જાણીતા બન્યા.

ઓછા જાણીતા મહેન્દ્ર મેઘાણી એટલે રાજકીય સભાનતા સાથે લોકશાહી મૂલ્યોના પુરસ્કર્તા સાક્ષર પ્રકાશક. ‘બુક અને બૅલેટ’થી ક્રાંતિ લાવવાનું સપનું જોનારા મહેન્દ્રભાઈએ ગુજરાત વિધાનસભાની ગઈ ચૂંટણી વખતે ‘સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન’ એવી સોળ પાનાંની ખિસ્સાપોથી ‘લોકશાહીના ચાહકો તરફથી લોકહિતાર્થે વિનામૂલ્યે’ બહાર પાડી હતી. તેમાં ડેમૉક્રસીનો સૈકાઓનો અનુભવ ધરાવતા બ્રિટન અને અમેરિકાના ‘શાણા નરનારીઓએ લોકશાહી સમાજને માર્ગદર્શક એવા કેટલાક વિચારો’ મૂક્યા છે. 2014માં થયેલી લોકસભાની ચૂંટણીમાં પણ તેમણે ભાવિ સંસદસભ્યો સંસદમાં ગેરવર્તણૂક ન કરે તેવી લેખિત બાંહેધરી મતદારોએ ઉમેદવારો પાસેથી લેવી જોઈએ તે માટેની ઝુંબેશ ચલાવવાની કોશિશ કરી હતી.

મહેન્દ્રભાઈની સેક્યુલર માનવતાવાદી નિસબત ગોધરાકાંડને પગલે ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોના દિવસોમાં અપૂર્વ રીતે પ્રગટી. પોતાનાં 80માં વર્ષે તેમણે ગુજરાતના ભાવજગતના પુનર્વસનનું શબ્દ માધ્યમથી શરૂ કર્યું. તેમણે ‘આંસુ લૂછવા જાઉં છું ...’ નામનું સંપાદન કર્યું. તેમાં તેમણે ગાંધીજીની ઉત્તર અવસ્થના અંગત મંત્રી પ્યારેલાલે લખેલા ‘ગાંધી : ધ લાસ્ટ ફેઝ’ અથવા ‘પૂર્ણાહૂતિ’ ગ્રંથના એક હિસ્સાનો સંક્ષેપ કર્યો છે. ગાંધીજીએ પોતાના છેલ્લા પંદર મહિના કોમી દાવાનળ ઠારવા માટેનો આખલી પંથકમાં એકલવીરના આત્મબળથી ચલાવેલા શાંતિતપની ઝાંખી તેમાં મળે છે. એમાં 2002નું ગુજરાત જ ન હોય. પણ છતાં તેમાં કોમવાદમાં બળી રહેલાં ગુજરાતની પરિસ્થિતિનું વર્ણન અને ઉકેલ મળી રહે છે, એ મહેન્દ્રભાઈ બતાવવા માંગતા હતા.

પ્રપૌત્ર રેહાન સાથે મહેન્દ્ર મેઘાણી

કોમી હુલ્લડો પછીનાં સપ્ટેમ્બર મહિનામાં એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદીએ ઝનૂનભરી ગૌરવયાત્રા કાઢી. તેની કડક ટીકા તરીકે ‘જનરલ ડાયર્સ્ ગૌરવયાત્રા’ નામનો લેખ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં સ્વામીનાથન અંકલેસરિયા ઐયરે લખ્યો. તેનો મહેન્દ્રભાઈએ અનુવાદ કર્યો, તેની પત્રિકાઓ છપાવી. એને ભાવનગરમાં વહેંચવા નીકળવાના હતા, પરિવારે માંડ વાર્યા. પછી તે પત્રિકાઓ તેમણે સામયિકો અને લોકમિલાપની યાદીના સેંકડો વાચકોને મોકલી. એટલું જ નહીં તેને લેખ તરીકે ‘અરધી સદીની વાચનયાત્રા’ના પહેલા ભાગમાં ય મૂક્યો.

ઓરિસ્સાના ખ્રિસ્તી ધર્મગુરુ ગ્રેહામ સ્ટેઇન્સ અને તેના બે કિશોર દીકરાઓને હિંદુત્વવાદી ધર્મઝનૂનીઓએ 1999ના જાન્યુઆરીમાં બાળી નાખ્યા. તેના પત્ની ગ્લૅડિસ સ્ટેઇન્સ પ્રત્યે સંવેદન વ્યક્ત કરવા મહેન્દ્રભાઈએ તેને પુસ્તકો મોકલ્યાં. પાંચમા પગારપંચનો વધારો નહીં સ્વીકારનારા મહારાષ્ટ્રના શિક્ષક હેરંબ કુલકર્ણીને પણ તેમણે પુસ્તકો ભેટ મોકલીને ધન્યવાદ આપ્યા હતા.

પિતા ઝવેરચંદ મેઘાણીની રચનાઓના ઉપયોગની રૉયલ્ટી માટે લેખકના ગૌરવના મુદ્દે આકાશવાણી સામે લડ્યા હતા. મહેન્દ્રભાઈએ ‘મિલાપ’ નામનું ઉત્તમ વાચનસામગ્રી સાથેનું સંકલન સામયિક 1950 થી 28 વર્ષ સુધી ચલાવ્યું. તેના પ્રકાશક-સંપાદક તરીકે મહેન્દ્રભાઈ ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન સેન્સરશીપ સામે લડ્યા હતા. રવીન્દ્રનાથ ટાગોરનાં સાહિત્યના કૉપિરાઇટ નિયમ મુજબ 50 વર્ષ સુધી 1991ના અંત સુધી વિશ્વભારતી યુનિવર્સિટી પાસે રહ્યા. પછી તેમાં 10 વર્ષનો વધારો કરવા માટે પ્રાદેશિક અને ભાષાવાદી રાજકારણની પેરવી ચાલી. ત્યારે તેના દેશભરમાં થયેલા વિરોધમાં ગુજરાતમાંથી મહેન્દ્રભાઈએ પહેલ કરી હતી.

ગરીબો માટે દિલ કપાતું હોવાથી વર્ષો લગી ચપ્પલ નહીં પહેરનારા પ્રકાશક તે મહેન્દ્રભાઈ. થેલીમાં જુદી જુદી સાઇઝનાં ચપ્પલ ભરીને અડવાણે (ઉઘાડા) પગે મજૂરી કરતી બહેનોને એ પહેરાવતા. સાયકલ અને એસ.ટી. બસ સિવાય કોઈ વાહનનો ઉપયોગ ન કરતા. હમણાં સુધી તો અમદાવાદમાં હોય ત્યારે બગીચામાં ચાલવા જાય ત્યારે રસ્તામાં પડેલો કચરો ચાલતાં ચાલતાં ઊપાડાય એટલો ઊપાડીને કચરાકુંડીમાં નાખતા.

ઘઉંનો જાતે દળેલો લોટ ભાવનગરના ખાદીઉદ્યોગના બેકરીવાળાને આપી એના બિસ્કિટ બનાવડાવવાની ગુજરાતમાં પહેલ મહેન્દ્રભાઈએ કરી હતી. તેઓ માનતા હતા કે બહેનોનાં સમય-શક્તિ રોટલા વણવામાં જતાં હોવાથી તેમનો વિકાસ રુંધાય છે, આથી પુરુષોએ દળેલાં ઘઉંના લોટની સારી જાતની બ્રેડ બેકરીમાં બનાવડાવીને ખાવી જોઈએ.

ભાવનગરમાં પુસ્તકની લારી લઈને બજારમાં ઊભા રહેતા. દેશવિદેશમાં પુસ્તક મેળા કરતા. એક સમયે તેમણે આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ નિમિત્તે પુસ્તકપ્રદર્શન માટે અમેરિકા અને યુરોપ જવાનું હતું. વિમાનની ટિકિટ પોષાય એવી ન હતી. એટલે લોકમિલાપે એર ઇન્ડિયાને સૂચન કર્યું કે તમે અમારી પાસેથી બાળકોનાં પુસ્તકો ખરીદો, તમારી દુનિયાભરની ઑફિસો તેમ જ મુસાફરોને આપો, અમને એ પુસ્તકો માટે પૈસા નહીં પણ એટલી કિંમતની ટિકિટ આપો. મહેન્દ્રભાઈની પુસ્તક-પસંદગી, શાખ, રજૂઆત અને સાચકલાઈ(સાચકલારપણું)ના કીમિયાથી આ સૂચન અમલમાં મૂકાયું!

અત્યારે મહેન્દ્રભાઈ તેમના પિતાની સાહિત્યકૃતિઓના ‘ઉત્તમ મેઘાણી’ નામના બે સંપાદનગ્રંથો તૈયાર કરવાનું વિચારી રહ્યા છે, અને વિચારને તરત જ અમલમાં મૂકવા માટે કામ શરૂ કરવા માટે જાણીતા છે. કામ કરતાં કરતાં 100 વર્ષ જીવો એમ ઇશાવાસ્ય ઉપનિષદનો બીજો જ શ્લોક કહે છે. એ ઈશવચન આજે જાણે મહેન્દ્રભાઈ માટે છે.

(સંજય શ્રીપાદ ભાવે અમદાવાદની એચ.કે આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીનાં અદ્યાપક છે)

June 20, 2018

સૌજન્ય : https://gujarati.news18.com/news/ahmedabad/special-article-on-mahendra-meghani-on-his-96th-birthday-vp-773016.html

Category :- Opinion / Opinion