OPINION

જોડણી માતાનો જય હો !

અશ્વિનકુમાર
07-07-2015ઈસવી સન ૨૦૧૫માં ગુજરાત રાજ્યમાં દશમા ધોરણમાં ગુજરાતી ભાષાનું ધોરણ વધારે કથળી ગયું. ગુજરાતી માધ્યમમાં પ્રથમ ભાષા ગુજરાતી વિષયમાં કુલ ૮,૫૧,૨૮૫ પરીક્ષાર્થીઓમાંથી ૬,૨૪,૬૨૨ સફળ થયા અને ૨,૨૬,૬૬૩ નિષ્ફળ ગયા. આમ, માતૃભાષા ગુજરાતીમાં ૨૭ ટકા વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થાય એ શરમજનક છે. નરસિંહ-નર્મદ, ગોવર્ધનરામ-રણજીતરામ, ગાંધી-સરદાર, મેઘાણી-મુનશી, ગૌરીશંકર-ઉમાશંકર, પન્નાલાલ-મનુભાઈની દૂધભાષા તેમ જ કાકા (આચાર્ય કાલેલકર) અને બાપા(ફાધર વાલેસ)ની નવનીતભાષા એવી ગુજરાતી નીચી ભયજનક સપાટીએ વહી રહી છે. જે રાજ્યનાં મુખ્યમંત્રી આચાર્ય રહી ચૂક્યાં હોય, જે દેશના વડા પ્રધાનને ગુજરાતીમાં સપનાં આવતાં હોય, ત્યારે પણ માતૃભાષાના આવા હાલહવાલ થાય તો એની ફરિયાદ 'સંયુક્ત રાષ્ટ્ર'(યુ.એન.)માં ન કરાય !ગુજરાતી વિષયમાં નિરાશાજનક પરિણામ માટે એ કારણ સૌથી આગળ ધરવામાં આવે છે કે, 'વિદ્યાર્થીઓનાં જોડણી અને વ્યાકરણ નબળાં છે.' વ્યાકરણની વાત થોડી દૂરની છે, પણ શિશુશાળામાં બાળક જે શબ્દ શીખે એની સાથે જ જોડણીનું 'ભૂત' ધૂણવા માંડે છે. અનુસ્નાતક કક્ષાએ ભણતાં વિદ્યાર્થીઓ પણ ‘િ’ ન ઓળખાય એટલે 'આગળથી લખો' એવું કહે, ‘ી’ ન ઓળખાય એટલે 'પાછળથી લખો' એવું કહે. ‘ુ’ ન સમજાય એટલે 'સાતડો' કરો એવું કહે, ‘ૂ’ ન સમજાય એટલે 'પૂંછડી' કરો એવું કહે! આ સમસ્યાના ઉકેલ માટે સરકારે દરેક જિલ્લામાં જોડણી ભવન બનાવવું જોઈએ. પણ એ ઇમારત ઉપર 'જીલ્લા જોડણિ ભુવન' એવું ન લખાય તે ખાસ જોવું પડે! આપણે પણ 'વિધ્યાર્થિઓની ગૂઝરાટિ ભાસા નબરી સે.' એવું કહેવાં કરતાં જોડણીની ગુણવત્તા સુધારવા નક્કરાત્મક પગલાં ભરવાની જરૂર છે.'જય શ્રી કૃષ્ણ'ની જગ્યાએ 'જે સી ક્રસ્ણ'નો પ્રયોગ કરતાં નવયુવકોને મળ્યા પછી અમને મંદિર બનાવવાનાં સ્વપ્નાં આવે છે. મંદિર-મસ્જિદ-ગુરુદ્વારા-દેવળ-દેરાસર-અગિયારી સહિતનાં તમામ ધર્મસ્થળોને બજારનાં જોખમી પરિબળો નડતાં નથી. અમે ધાર્મિક છીએ, તાર્કિક છીએ, માણસ છીએ, ગુજરાતી છીએ. ઓછા રોકાણ અને ઓછી મોકાણના વ્યવસાયને શોધતાં રહીએ છીએ. અમે સલામતી અને સન્માન ઝંખીએ છીએ. હિંદુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવતા છે. સ્વર્ગમાં દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ નહીં જ હોય, અને દેવતાલોકમાં બાળકીઓની ભ્રૂણહત્યા નહીં જ થતી હોય. એટલે, તેત્રીસ કરોડ દેવતાઓમાંથી સાડા સોળ કરોડ દેવો અને સાડા સોળ કરોડ દેવીઓ હશે એવું માની લઈએ. રાષ્ટ્ર-મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્રમાં માતાજીનાં ઘણાં મંદિરો છે, ઘણાં માતાજીનાં મંદિરો છે. જેમાં વૈભવ લક્ષ્મીથી માંડીને અંબાજી માતા, મહાકાળી માતાથી માંડીને સિકોતેર માતા, દશા માતાથી માંડીને સુનામી વહાણવટી માતા, મેલડી માતાથી માંડીને જોગણી માતાનું મંદિર છે, પણ ક્યાંય જોડણી માતાનું મંદિર નથી. શરમાતાં-શરમાતાં પણ કહેવું છે કે, અમને જોડણી માતાનું મંદિર બનાવવાનો નૂતન વિચાર આવ્યો છે! 


માતાજીને ઓછામાં ઓછા ચાર હાથ હોય તો જ આપણા ઉપર એમની કૃપા વરસે. એવી ઉદાત્ત કલ્પના કરો કે, જોડણી માતાને પણ ચાર હાથ છે. એમણે ચાર હાથમાં શસ્ત્રો તરીકે શું ધારણ કર્યું હશે, એવી જિજ્ઞાસા થવી જોઈએ. જોડણી માતાએ ડાબી બાજુના એક હાથમાં ‘ઇ’ અને બીજા હાથમાં ‘ઈ’, જમણી બાજુના એક હાથમાં ‘ઉ’ અને બીજા હાથમાં ‘ઊ’ ધારણ કરેલાં હશે. એમના લલાટ ઉપર અનુસ્વારરૂપી નાનકડો શ્યામ ચાંદલો શોભતો હશે. જોડણી માતાના ગાળામાં ઉદ્દગારચિહ્નની માળા શોભતી હશે. તેમણે પ્રશ્નચિહ્નનાં ઝાંઝર પહેર્યાં હશે.જોડણી માતાનું વાહન પુસ્તક જ હોય. ‘સાર્થ જોડણીકોશ’ નામનું પુસ્તકપક્ષી પોતાની પાંખો ફફડાવતું હોય અને તે દિવ્ય વાહન ઉપર સવાર થઈને જોડણી દેવી વિહાર કરતાં હોય ત્યારે તેઓ કેવાં ભવ્ય લાગતાં હશે! જોકે, મૂર્તિ ઘડનારે એ ખાસ ધ્યાન રાખવાનું કે, જોડણી માતાનો ચહેરો પ્રસન્ન નહીં, પણ ખિન્ન રાખવાનો છે. કારણ કે, ગુજરાતી જોડણીનો મામલો કાયમ ગંભીર રહેવા માટે સર્જાયેલો છે! ખોટી ગુજરાતી લખનારને ખોટું પણ લાગતું નથી. એક દંતકથા નહીં તો ચોકઠાકથા મુજબ, અન્ય ભાષાઓની જેમ ગુજરાતી ભાષાની પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી, સત્તરમી સદીના આખ્યાનકાર પ્રેમાનંદે પાઘડી નહીં પહેરવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રશ્ન કેવળ પ્રેમાનંદને જ નહીં, આપણને પણ સતાવતો હોવો જોઈએ.

વગર વરસાદે પણ સૌનાં મનમાં એ સવાલ ઊગે કે, જોડણી માતાનું મંદિર ક્યાં બનાવવું? પ્રદેશમાં પ્રત્યેક શાળા-મહાશાળા, વિશ્વવિદ્યાલય-શિક્ષણસંકુલ, સાહિત્યસંસ્થા-ભાષાઅકાદમીના દાખલ-દરવાજા પાસેના જમણા ખૂણામાં જોડણી માતાનું મંદિર બનાવી શકાય. જે તે સંસ્થાના વડાના હસ્તે આ મંદિરનું ઉદ્દઘાટન કરાવવું જોઈએ. સામાન્ય સંજોગોમાં મુખ્ય દેવમંદિરની ડાબી અને જમણી બાજુએ હનુમાનદાદા અને ગણપતિદાદાના ગોખલાની રચના કરવામાં આવે છે. આ જ ધોરણે જોડણી માતાના મંદિરની ડાબી બાજુએ પવિત્ર સધી માતા જેવાં સંધિ માતાનું અને જમણી બાજુએ સમર્થ કાલિકા માતા જેવાં કહેવત માતાનો ગોખલો હોવો જોઈએ. મંદિરનાં પગથિયાં પાસે આ સૂચના ખાસ લખાવવી : 'તમે ભાષાના ખેરખાં હો તો પણ પગરખાં અને અભિમાન બહાર ઉતારીને આવો.'

જોડણી માતાના મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ગાંધીજીનું આ વાક્ય મુકાવવું : "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી." આમ કરવાથી, ગાંધીજીની સાથેસાથે આપણી પણ પ્રસ્તુતતા વધી જશે. મંદિરના ગર્ભગૃહમાં આરસની તકતી ઉપર 'જોડણીની જોડ સખી નહીં જડે રે લોલ' જેવી પંક્તિ ટંકાવવાથી સમગ્ર વાતાવરણ કાવ્યાત્મક અને ભાવનાત્મક બની જશે.ગુજરાતી વિષયમાં વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ની પદવી ધરાવતા હોય અને નેટ-સ્લેટની પરીક્ષામાં ઉતીર્ણ થયા હોય તેવા જ ઉમેદવારો જોડણી માતાના મંદિરમાં પૂજારી તરીકે લાયક ગણાશે. તેમને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ એટલે કે યુ.જી.સી.ના માન્ય ધારા-ધોરણ પ્રમાણે પગાર અને અન્ય લાભ મળવા જોઈએ. જો કે, રાજ્ય સરકાર આ માટે નિર્ધારિત અને નિમ્ન પગાર ધરાવતા જોડણી-સહાયકની નિમણૂક કરી શકશે નહીં.


આ મંદિરમાં પ્રસાદ તરીકે િ, ી, ુ, ૂ આકારનાં સાકરિયાં વહેંચવાં. આવાં 'રમકડાં'ના કારણે બાળ-શ્રદ્ધાળુઓને ગમ્મત સાથે જ્ઞાન પણ મળશે. વળી, કેટલાક વાલીઓ પોતાનાં 'નબળાં' બાળકો માટે શૈક્ષણિક વર્ષની શરૂઆતથી જોડણી માતાની બાધા-આખડી રાખી શકે. જો તેમના પાલ્ય દશમા ધોરણમાં ગુજરાતી વિષયમાં હેમખેમ પાર ઊતરી જાય તો તેમણે મંદિરના પરિસરમાં 'સાર્થ જોડણીકોશ'ની અમુક-તમુક નકલો વહેંચવી જોઈએ. જેમની આર્થિક સ્થિતિ નબળી હોય તેઓ ઓછી કિંમત ધરાવતો 'ખિસ્સાકોશ' પણ વહેંચી શકે છે.જોડણી માતાના મંદિરમાં આખો દિવસ ગુજરાતી ભાષાની વ્યાકરણ-સામગ્રી અને સાહિત્યની સર્વોત્તમ કૃતિઓ સંભળાતી-જોવાતી રહે તેવી ઉત્તમ વીજાણુ-વ્યવસ્થા કરવી જ રહી. જેથી કરીને, નવી પેઢી 'વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે' પૂરેપૂરું સાંભળ્યા પછી 'પરસ્ત્રી'ની જગ્યાએ 'બાવન સ્ત્રી' જેવો શબ્દપ્રયોગ નહીં કરે.

જો કે નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું સાંભળ્યા પછી, ગુજરાતીમાં વિચારતો અને અંગ્રેજીમાં બોલતો ભડનો દીકરો એમ પણ કહે કે, 'મિસ્ટર મહેતાએ બનિયા મેન વિશે કેવું ઓસમ મોર્નિંગિયું ગાયું છે!'


e.mail : ashwinkumar.phd@gmail.com

સૌજન્ય : જોડણી માતાનો જય હો! 'હળવે હૈયે', “દિવ્ય ભાસ્કર”, ૦૧-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

Blog Address : http://ashwinningstroke.blogspot.in/

Category :- Opinion Online / Literature

જગતના તમામ સમાજોમાં સમલૈંગિકતાને માનસિક બીમારી ગણવામાં આવે છે જેના કારણોમાં આધ્યાત્મિક અધ:પતનને જવાબદાર ઠેરવવામાં આવે છે.

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદામાં પૂરા અમેરિકામાં સમલૈંગિકોને શાદી કરવાનો કાનૂની અધિકાર આપ્યો છે. અમેરિકાનાં 36 રાજ્યોમાં હવે હોમોસેક્સુઅલ અને લેસ્બિયન કપલ, વિના કોઈ અવરોધે, કાનૂનના રક્ષણ સાથે શાદી કરીને ઘર-સંસાર માંડી શકશે. સમલૈંગિકતા અને સમલૈંગિક વિવાહ વિવાદાસ્પદ (બહુધા લોકો એને હાસ્યાસ્પદ ગણે છે) અને આભડછેટવાળી સમસ્યા છે. એક્ચ્યુઅલી, એ સમસ્યા પણ નથી કારણ કે સમલૈંગિકતા એ જનેટિક (આનુવાંશિક) અથવા તો ક્રોમોજોમ(ગુણસૂત્ર)ની ખામીના કારણે સર્જાતી માનસિક-શારીરિક સ્થિતિ છે જે સામાજિક અને ધાર્મિક (ખોટી) નીતિમત્તાના ચક્કરમાં ઉલઝી જઈને સમસ્યા બની જાય છે.

જગતના તમામ સમાજોમાં સમલૈંગિકતાને માનસિક બીમારી ગણવામાં આવે છે જેના કારણોમાં સાયકોલોજિકલ અથવા તો આધ્યાત્મિક અધ:પતનને જવાબદાર ઠેરવવામાં આવે છે. ભારતમાં છેક 1861થી ઇન્ડિયન પીનલ કોડની કલમ 377 અમલમાં જેના તહત સમલૈંગિક સેક્સમાં દસ વર્ષની સજા થાય છે. સમલૈંગિક સંબંધોને ગુનાઇત કાનૂનના દાયરામાંથી બહાર લાવવા માટે 2006થી રાજકીય અને કાનૂની મોરચે લડાઈ ચાલે છે જ્યારે તે વખતે નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન અને અંગ્રેજી લેખક વિક્રમ સેઠે 377ને નાબૂદ કરવા માગણી કરી હતી.

અપ્રાકૃતિક અથવા અકુદરતી એટલે શું? ભારતની પૌરાણિક પરંપરામાં પુરષની આત્મા અને પ્રકૃતિની પદાર્થ (મેટર) તરીકે કલ્પના કરવામાં આવી છે. બંને અનંત અને અપાર છે પણ સ્વભાવથી પુરુષ સ્થિર, અચલ છે. જ્યારે પ્રકૃતિ વ્યાકુળ, ચંચળ છે. સેક્સ પ્રકૃતિનો ભાવ છે અને એની ચંચળતા વિવિધ સ્વરૂપે ભારતીય મંદિરોના દરવાજા અને દીવાલો પર અભિવ્યક્ત થઈ છે. દેવ, દાનવ, માનવ, પક્ષી, પશુ, પંખી, ફળ અને ફૂલથી લઈને કલ્પના કરી શકાય (અને ન કરી શકાય) તેવા રૂપમાં પ્રકૃતિની ચંચળતા પૌરાણિક સ્થાપત્યમાં જડાયેલી છે. પુરુષ સ્ત્રીમાં અને સ્ત્રી પુરુષમાં તબદીલ થાય તેવી અનેક કહાનીઓથી પુરાણો ભરેલાં પડ્યાં છે. સંસાર માયા છે એવું જ્ઞાન નારદને ક્યાંથી લાધેલું? નારદ સરોવરમાં પડી ગયા અને સ્ત્રીમાં તબદીલ થઈ ગયા તેમાંથી. કૃષ્ણ સાથે રાસ-લીલા રમવી હતી એટલે શિવજી યમુનામાં પડ્યા અને ગોપી બની ગયા. વૃંદાવનમાં ગોપેશ્વરજીનું જે મંદિર છે તેની પાછળ આ કથા કારણભૂત છે.

મહેસાણા જિલ્લામાં બહુચરાજીનું જે મંદિર છે ત્યાં જે તળાવ હતું તેના પાણીમાં માદાને નરમાં પરિવર્તિત કરવાની શક્તિ હતી. આજે તળાવ તો સુકાઈ ગયું છે પરંતુ નર બાળકની ઇચ્છા પૂર્તિ માટે સ્ત્રીઓ આજે ય ત્યાં માનતા માને છે. પાંડિચેરી પાસે કૂવાગામમાં દર વર્ષે કિન્નરો નૃત્યનો કાર્યક્રમ કરે છે. ત્યાં કથા એવી છે કે બલિ ચડી રહેલા અર્જુનના પુત્ર આરવણને પરણવા કોઈ સ્ત્રી તૈયાર થતી ન હતી ત્યારે કૃષ્ણ મોહિનીનું રૂપ ધરીને આવ્યા હતા.

અા કપોળ કથાઓ(માયથોલોજી)ને અપ્રાકૃતિક કે અકુદરતી ગણી શકાય? ભારતમાં નર-માદા જાતિને લઈને કે સેક્સની પ્રકૃતિને લઈને જે માન્યતા અને અભિગમ પ્રવર્તે છે તેનાથી તદ્દન વિરોધી અભિગમ અને માન્યતાઓ ભારતીય પૌરાણિક ઇતિહાસમાં છે. આપણે ત્યાં પૂર્વજન્મની આખી ધારણા લિંગ પરિવર્તન આધારિત છે.

કર્મના ફળ પ્રમાણે એક લિંગમાંથી બીજા લિંગ, માણસમાંથી વૃક્ષ, પથ્થર, કે પશુ-પંખીમાં જન્મ મળે, નર માદાનું દિલ લઈને પેદા થાય અને માદા નરના રૂપમાં ય જન્મે આનું કારણ એ કે પ્રબુદ્ધ માણસોએ આત્મા નીત-નવા રૂપ ધારણ કરે તેવી ધારણા કરેલી. પૌરુષત્વ અથવા સ્ત્રીત્વ એક એવો અાંચળો હતો જે આત્મા એનાં પૂર્વ કર્મોના ફળરૂપે ધારણ કરતો હતો. ભારતીય આધ્યાત્મિક દર્શન શરીરને આત્માના ઉદ્ધાર અથવા તો નિર્વાણના માધ્યમ તરીકે જુએ છે. આપણું શરીર અનેક શક્યતાઓથી ભરેલું છે. અને આત્મા આ તમામ સંભાવનાઓમાંથી પસાર થઈને મોક્ષ પામે છે જ્યાં એના પૂર્વજન્મના ચક્રનો અંત આવી જાય છે. એટલે, સેક્સ એ સમસ્યા નહીં, સંભાવનાઓનું સાધન છે. ભગવદ્દગીતામાં કૃષ્ણએ અર્જુનને જે વિરાટ દર્શન કરાવેલું એમાં અર્જુને સંસારનું એ સ્વરૂપ જોયેલું જે ના તો એણે પહેલાં જોયું હતું ન તો કલ્પ્યું હતું. એ વિરાટ દર્શન પછી અર્જુનને એની દૃષ્ટિ(અને સમજ)ની સંકુચિતતાનું ભાન થયેલું અને કૃષ્ણ સામે નમન કરીને અફાટ, અસીમ સંભાવનાઓથી ભરેલા અસ્તિત્વનો સ્વીકાર કરેલો.

સમ મેન લાઇક જેક
એન્ડ સમ લાઇક જીલ
આ’મ ગ્લેડ આઈ લાઇક ધેમ બોથ,
બટ સ્ટીલ ...
ઈન ધ સ્ટ્રીક્ટ રેન્ક્સ
ઓફ ગે એન્ડ સ્ટ્રેઇટ
વોટ ઇઝ માઈ સ્ટેટસ?
સ્ટ્રે? ઓર ગ્રેટ?

સુટેબલ બોય નામની મશહૂર કિતાબ લખનાર વિક્રમ સેઠ નામના ‘ગે’ લેખકે વર્ષો પહેલાં ‘ડુબિયસ’ (સંદિગ્ધ) નામની કવિતામાં ઉપર પ્રમાણે ખુદના ‘સ્ટેટસ’ અંગે મૂંઝવણ વ્યક્ત કરી હતી. સમલૈંગિકતાને લઈને આપણા સમાજમાં જે કઠોર અભિગમ પ્રવર્તે છે તેનું કારણ શું એ શોધ-અભ્યાસનો વિષય છે. થોડાં વર્ષો પૂર્વે આવેલી રુથ વનિતા અને સલીમ કિડવાઈ સંપાદિત ‘સેમ સેક્સ લવ ઈન ઇન્ડિયા: અ લિટરરી હિસ્ટ્રી’માં ભારતીય સાહિત્યની 2000 વર્ષ જૂની રચનાઓ મારફતે સમલૈંગિક પ્યારને કેવી રીતે સાહિત્યમાં સ્થાન મળ્યું છે તેની વાત લખી હતી. તેમાં એક ડઝનથી વધુ ભાષાઓ અને હિન્દુ, બૌદ્ધ, મુસ્લિમ તથા આધુનિક સમાજમાં સમલૈંગિકતાને લઈને જે કલ્પનાઓ પરંપરાઓ છે તેના પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો.

એમાં એ બાબત સ્પષ્ટ કરવામાં આવી હતી કે ભારતીય સભ્યતા, સંસ્કૃિત અને ઉપનિવેશ કાળમાં ભલે સમલૈંગિક વ્યવહારને સ્વીકૃતિ મળી ન હોય પણ એમને પીડા કે ત્રાસ કે સજા પહોંચાડવાઈ હોય તેવું ય બન્યું નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઇરાનમાં એક હજારથી વધુ સમલૈંગિક વ્યક્તિઓને ફાંસી અપાઈ હોય કે અન્ય દેશોમાં બીજી રીતે કનડગત થઈ હોય તેની સરખામણીમાં ભારતમાં સમલૈંગિક સ્ત્રી-પુરુષ પ્રત્યે સહિષ્ણુ વ્યવહાર રહ્યો છે. પુસ્તકમાં દાવો છે કે ભારતમાં સમલૈંગિકતા 19મી સદીમાં નહીં, છેક મહાભારત અને વેદકાળથી ચાલતી આવી છે. હિન્દી ફિલ્મોમાં સીધા અથવા આડકતરા સમલૈંગિક પ્રેમનો પ્રેરણાસ્રોત ઉર્દૂ લેખિકા ઇસ્મત ચુગતાઈ(1915થી 1991)ની લઘુકથા ‘લિહાફ’ (ચાદર) રહી છે. એનું પ્રકાશન 1942માં ‘આદાહ-ઇ-લતીફ’ સંગ્રહમાં થયું હતું. એ કહાનીમાં પતિથી ઉપેક્ષિત ઔરત એની નોકરાણી સાથે જિસ્માની પ્યાર બાંધે છે અને આ પ્યારની સાક્ષી પાડોશમાં રહેતી એક છોકરી છે જે આ કથાની સૂત્રધાર છે.

બીજી તરફ, આ ઔરતના પતિને માત્ર છોકરાઓમાં જ દિલચશ્પી હોય છે. આ કહાની પ્રગટ થઈ ત્યારે સાહિત્યિક, સામાજિક અને ન્યાયિક સ્તરે સનસનાટી મચી ગઈ હતી. 1944માં અશ્લીલતાના આરોપ હેઠળ ચુગતાઈ પર લાહોર કોર્ટમાં ખટલો ચાલ્યો હતો પણ કોર્ટે એમને બા-ઇજ્જત બરી કર્યાં હતાં. 2014માં સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશોએ સમલૈંગિકતાને ગુનાઇત દાયરામાંથી બહાર કાઢતા ચુકાદાને પલટી નાખ્યો ત્યારે ઉપર જે વાત કરી તે વિક્રમ સેઠનાં માતા લીલા સેઠે બહુ ઉકળાટ વ્યક્ત કરેલો. આ લીલા સેઠ એટલે દેશમાં ઉચ્ચ ન્યાયાધીશની મુખ્ય ન્યાયાધીશ બનનારી પ્રથમ મહિલા. દિલ્હી ઉચ્ચ ન્યાયાલયની પહેલી મહિલા ન્યાયાધીશ બનવાનું શ્રેય પણ એમને જ જાય છે. દેશની એ પ્રથમ મહિલા હતી જેણે લંડનમાં બાર એટ લોની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો. આ લીલાબહેને ત્યારે કહેલું :

‘મારું નામ લીલા સેઠ. 83 વર્ષની છું. 60 વર્ષથી પતિ સાથે હતી અને ત્રણ બાળકો છે. સૌથી મોટો વિક્રમ લેખક છે. વચેટ શાંતમ બૌદ્ધ શિક્ષક છે અને સૌથી નાની આરાધના ફિલ્મ મેકર છે. હું ત્રણેને પ્યાર કરું છું અને ત્રણે ય મહેનત-મજદૂરી કરીને કંઈક કરવા સારું કામ કરવા મથી રહ્યાં છે પણ મારો મોટો દીકરો વિક્રમ, હવે ગુનેગાર છે. વિક્રમ જો બીજા પુરુષને પ્રેમ કરશે તો એને જેલમાં પૂરી દેવાશે. કાયદા પ્રમાણે વિક્રમે આજીવન બ્રહ્મચર્ય પાળવું પડશે. જીવનને અર્થપૂર્ણ પ્રેમ બનાવે છે. માણસ હોવું એટલે જ પ્રેમ કરવો. આ પ્રેમની અભિવ્યક્તિને ગુનાઇત દાયરામાં મૂકવી એ અત્યંત અમાનવીય ને ઘાતકી વ્યવહાર છે.’

લીલાબહેને, બીજા શબ્દોમાં કહીએ તો, સમલૈંગિક પ્યારને ક્રિમિનલ એક્ટ ગણનારા સમાજને શ્રાપ આપ્યો છે. આ એ માનો શ્રાપ છે જે એનાં ત્રણ સંતાનોમાં કોઈ ભેદ જોતી નથી. ગામડામાં બે સાપ આપસમાં પ્યાર કરતા હોય એ જોવાનું વર્જિત ગણાય છે. જો નજર પડી જાય તો જિંદગીભર એ પીછો કરતા રહે અને દંશ મારી દે. નજર ના પડે તો ય આંખમાં ફોલ્લા પડી જાય. અમે ગામડામાં હતા ત્યારે નજર ઘુમાવી લેતા હતા. કોઈના બેડરૂમમાં નજર ખોડવાથી એ પ્યાર કેવી રીતે ગલત સાબિત થઈ જાય? જેણે જોયું એ ગલત છે, પ્યાર નહીં.

e.mail : rj.goswami007@gmail.com

સીજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે ભાસ્કર’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 05 જુલાઈ 2015

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5044510-NOR.htm

Category :- Opinion Online / Opinion