OPINION

યહૂદીઓ માટે અચાનક હેત ઊભરી આવવા માટે સ્વાર્થપ્રેરિત ચોક્કસ કારણો હતાં. એક તો  ખ્રિસ્તીઓના મનમાં યહૂદીઓ માટે સદીઓ જૂનો અણગમો હતો અને હવે જો ઇઝરાયલ બને તો બલા ટળે. બીજું કારણ એ હતું કે વિશ્વયુદ્ધમાં ખુવાર થયેલા દેશોને યહૂદીઓના પૈસા જોઈતા હતા અને યહૂદીઓ યુદ્ધમાં ખુવાર થઈ ગયેલાં નાદાર રાજ્યોને મદદ કરી શકે એટલા સમૃદ્ધ હતા. ત્રીજું કારણ એ હતું કે પૅલેસ્ટીનમાં ઇઝરાયલ વસાવીને અંગ્રેજો સુએઝ કૅનલ પર કબજો કાયમ રાખવા માગતા હતા

૨૦૧૬માં હિલેરી ક્લિન્ટન અમેરિકાના પ્રમુખપદ માટેની ઉમેદવારી કરવાનાં છે એવા અહેવાલ છે એ પહેલાં તેમણે આત્મકથા (‘હાર્ડ ચોઈસિસ’) લખી નાખી છે. અમેરિકાનાં ભૂતપૂર્વ વિદેશ પ્રધાને હાર્ડ ચોઈસિસની વાત કરતાં કરતાં અમેરિકા માટે સાવ ઇઝી ચોઈસની વાત કરી છે, પણ હિલેરી ક્લીન્ટને અમેરિકાની ઈઝી ચોઈસને હાર્ડ ચોઈસ તરીકે રજૂ કરી છે. તેમણે આત્મકથામાં લખ્યું છે કે વિશ્વના કેટલાક મામલામાં દરમ્યાનગીરી કરવી એ અમેરિકાનું કર્તવ્ય છે અને એનાથી તે મોં ફેરવી ન શકે. અમેરિકાએ કર્તવ્ય નિભાવવાની કિંમત ચૂકવવી પડે છે, અનેક અમેરિકનોના એમાં મોત થાય છે : પણ બીજો વિકલ્પ પણ નથી. અમેરિકાના અભાવમાં અંતિમવાદી પરિબળો માથું ઊંચકે છે જેમાં એકંદરે માનવ સમાજને અને વિશેષ કરીને અમેરિકાને નુકસાન પહોંચે છે. અમેરિકા દૂર હટી જઈને માનવ જાતને મોતના મોંમાં ધકેલી ન શકે. હિલેરી ક્લિન્ટન જો ચૂંટણી લડશે અને જીતશે તો પ્રમુખ હિલેરી ક્લિન્ટનના સમયમાં અમેરિકાની કેવી કેવી દૈવી દરમ્યાનગીરીઓ થશે એની કલ્પના થઈ શકે એમ છે.

એડવર્ડ સઈદ વીસમી સદીના સૌથી મેધાવી ચિંતકોમાંના એક હતા. આ આરબ ક્રિશ્ચિયન વિદ્વાને કહ્યું છે કે દેવી દરમ્યાનગીરી કરવાની મનોવૃત્તિ મૂળમાં પાશ્ચાત્ય બીમારી છે. ગ્રીસ અને તુર્કીની વચ્ચેથી એક કાલ્પનિક રેખા ઉપરથી નીચે ઉતરે છે જે પૂર્વ અને પશ્ચિમનું વિભાજન કરે છે. પૂર્વનું આકલન અને ભવિષ્ય નક્કી કરવાની પશ્ચિમની ઈજારાશાહી છે. તે પોતાની નજરે પૂર્વને જુવે છે અને તેની નિયતિ નક્કી કરવાનો અધિકાર ધરાવે છે. આ અધિકારને પડકારી શકાતો નથી અને જો કોઈ પડકારે તો તેને બર્બર, ત્રાસવાદી, અરાજકતાવાદી, મધ્યકાલીન, બિન આધુનિક, માનવતાવિરોધી અને ત્રાસવાદી સુધ્ધા કહેવામાં આવે છે. હિલેરી ક્લીન્ટને પરમ કારુણ્ય સાથે આ જ વાત કહી છે : જો અમેરિકા હટી જાય તો આ પ્રકારના લોકો જગતનો કબજો લઈ લેશે અને વિશ્વને નરકમાં ફેરવી નાખશે. એડવર્ડ સઇદને આ પ્રકારના પાશ્ચાત્ય વલણ સામે જ વાંધો છે. તેમણે પાશ્ચાત્યવાદ સામે પૌર્વાત્યવાદની થીસિસ વિકસાવી હતી જેણે વીતેલી સદીમાં જબરી ચર્ચા જગાવી હતી.

યહૂદીઓ પણ આમ તો પૌર્વાત્ય એટલે કે પૂર્વની પ્રજા છે એટલે તેમની સાથે કેવો વહેવાર કરવો એ નક્કી કરવાનો અધિકાર પશ્ચિમનો છે. યહૂદીઓની જેમ આરબો પણ પૂર્વની પ્રજા છે એટલે તેઓ પણ પાશ્ચાત્ય દ્રષ્ટિકોણ અને વલણથી બચી ન શકે. બે હજાર વર્ષ પહેલાં રોમનોએ આજના પેલેસ્ટીન-ઇઝરાયલમાંથી યહૂદીઓને ખદેડી મૂક્યા હતા. એ પછી યહૂદીઓના ધર્મમાંથી જ ફાટો પડીને ઈસાઈ ધર્મનો પ્રાદુર્ભાવ થયો હતો અને યહૂદીઓને સતાવવાનું શરૂ થયું હતું. રોમન કેથલિક ચર્ચે યહૂદીઓની જે સતામણી કરી છે એનો રૂવાંટાં ઊભા કરી દે એવો બર્બર ઇતિહાસ છે. યહૂદીઓ પછી મધ્યકાળમાં ક્રુસેડ શરૂ થઈ હતી જેનો શિકાર મુસલમાનો હતા. આ ઉપરાંત પાશ્ચાત્ય દેશોના વહાણવટી વેપારી ધાડાંઓએ નવા શોધવામાં આવેલા દેશોમાં સ્થાનિક પ્રજા સાથે જે જુલમ કર્યા હતા એનો અલગ ઇતિહાસ છે. સંસ્થાનવાદના યુગમાં સંસ્થાનો(કૉલોનીઝ-ગુલામ દેશો)નું એવું શોષણ કરવામાં આવ્યું હતું કે ઉપરાઉપર પડતા દુકાળોમાં કરોડો લોકો ભૂખમરાનો ભોગ બની ગયા હતા. હિલેરી ક્લિન્ટને પૌર્વાત્યોના આતંકવાદનો જે ભય બતાવ્યો છે એનાં કરતાં અનેક ગણો આતંક ત્યારે યહૂદીઓ, મુસલમાનો અને સ્થાનિકો પર ગુજારવામાં આવ્યો હતો. ફરી એકવાર હિલેરી ક્લિન્ટન તેમ જ એડવર્ડ સઈદ કહે છે એમ આ બધું પશ્ચિમના અધિકારના ભાગરૂપે કરવામાં આવેલો દૈવી હસ્તક્ષેપ હતો.

પશ્ચિમની એક લાક્ષણિકતા સ્વીકારવી જોઈએ. તેમણે જે કઈ કર્યું છે એનો રેકોર્ડ બરાબર સાચવ્યો છે. કુકર્મોની તમામ વિગતો શરમાયા વિના અને છુપાવ્યા વિના આગલી પેઢી માટે મૂકતી જવી એ પશ્ચિમનો ગુણ છે. યહૂદીઓની સતામણીનો, ક્રુસેડનો અને સંસ્થાનવાદનો કાળો ઇતિહાસ ઇતિહાસ ઘડનારાઓ પાછળ છોડતા ગયા છે. બીજી બાજુ પૂર્વનો ગુણ નહીં મીટવાનો છે. પાટણના પટોળાની જેમ ફાટે પણ ફીટે નહીં એ પૂર્વની પ્રજાનો ગુણ છે. ખદેડી મૂકવામાં આવેલા યહૂદીઓ જગતભરમાં ફેલાઈ ગયા હતા જ્યાં તેમણે યહૂદીવાડાઓ (ડાયસ્પોરા) રચીને પોતાની ઓળખ તેમ જ ધર્મ ટકાવી રાખ્યાં હતાં. પોતાની મૂળ પવિત્ર ભૂમિ ઇઝરાયલ કે જ્યુડિયા માટેનો તેમનો પ્રેમ બે હજાર વર્ષ પછી પણ ઘટ્યો નહોતો. ઇઝરાયલની બહાર વસતો યહૂદી સપરમાં દિવસે જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે તે છેલ્લી અરજ કરે છે : ભગવાન કરે, આવતા વર્ષે જેરુસાલેમમાં પ્રાર્થના કરવા મળે. અઢી હજાર વર્ષ સુધી પોતે માતૃભૂમિમાંથી ઉખડી ગયેલો નિરાશ્રિત છે અને એક દિવસ ઇઝરાયલ પાછા જવું છે અને જેરુસાલેમમાં પ્રાર્થના કરવી છે એવી ભાવના ટકાવી રાખવી એ નાની વાત નથી. 

જગત આખામાં યહૂદી ઈઝરાયેલી બનીને રહેતો હતો એ તેની સામે કરવામાં આવતા તિરસ્કારનું વધારાનું કારણ હતું. સદીઓથી જે-તે દેશમાં વસતા હોવા છતાં એ દેશ સાથે ભાવનાત્મક સંબંધ રાખતા નહોતા, સ્થાનિક પ્રજા સાથે ભળતા નહોતા; પણ વેપારમાં શોષણ કરવામાં સંકોચ કરતા નહોતા. યહૂદીઓ અઠંગ વેપારી પ્રજા છે અને આજે પણ વિશ્વના ધનાઢ્યોમાં યહૂદીઓ અગ્રેસર છે.

યહૂદીઓને પેલેસ્ટીનમાંથી ખદેડવામાં ઇસ્લામનો કે મુસલમાનોનો કોઈ હાથ નહોતો કારણ કે ત્યારે ઇસ્લામ ધર્મ અસ્તિત્વમાં જ નહોતો આવ્યો. સ્થાનિક ગેર-યહૂદી આરબ કબીલાઓ સાથે પણ યહૂદીઓનો કોઈ ઝઘડો હોય એવો ઇતિહાસ નથી. યહૂદીઓ જે દેશોમાં જઈને વસ્યા એમાંના મોટાભાગના દેશોમાં મુસલમાનોની વસ્તી નહોતી અથવા નહીંવત્ હતી. આમ યહૂદીઓ અને મુસલમાનો વચ્ચે સંઘર્ષનો લોહિયાળ ઇતિહાસ નથી. યહૂદી ધર્મ સામે ઈસ્લામને એટલા માટે પણ વાંધો નહોતો કે એ ધર્મ બુતપરસ્તીમાં નહીં માનનારો કિતાબી છે. યહૂદીઓનો સંઘર્ષ ચર્ચ સામે હતો કારણ કે ઈસાઈ ધર્મ યહૂદી ધર્મનો એક ફાંટો છે. બીજું કારણ એ હતું કે મોટાભાગના યહૂદીઓ ઈસાઈઓની બહુમતીવાળા દેશોમાં રહેતા હતા જ્યાં તેમના હિતસંબંધો અથડાતા હતા. આ લડાઈ એકપક્ષી હતી જેમાં યહૂદીઓને સતાવવામાં આવતા હતા.

પહેલું વિશ્વ યુદ્ધ પૂરું થવામાં હતું ત્યારે, એનાં એક વર્ષ પહેલાં, ૧૯૧૭ના નવેમ્બર મહિનામાં બ્રિટીશ વિદેશ પ્રધાન આર્થર બાલ્ફોરને લાગ્યું હતું કે હવે બહુ થયું, વતનની આસમાં ઝૂરતા યહૂદીઓને વતન આપી દેવું જોઈએ. તેમણે બ્રિટિશ યહૂદીઓના નેતા બેરોન વૉલ્ટર રોથચાઈલ્ડને પત્ર લખીને બ્રિટીશ સરકાર યહૂદીઓના સ્વતંત્ર રાજ્ય માટે અનુકૂળ હોવાની જાણ કરી હતી. એ પત્ર બાલ્ફોર ડેકલેરેશન તરીકે ઓળખાય છે અને ઇઝરાયલની સ્થાપનાના એ પત્ર સાથે શ્રીગણેશ થયા હતા. આ પહેલાં યહૂદીઓએ વતનની માગ કરવા માંડી હતી અને કેટલાક યહૂદીઓએ ભવિષ્યની ચિંતા કર્યા વિના પેલેસ્ટીનમાં જેરુસાલેમમાં જઈને વસવાનું શરૂ કરી દીધું હતું. આ પત્ર લખાયો એ પહેલાં નાના પાયે આવી બે પવિત્ર હિજરત થઈ ચૂકી હતી. એ જમાનામાં આજે જે સ્થાન અમેરિકાનું છે એ બ્રિટનનું હતું.

યહૂદીઓ માટે અચાનક હેત ઊભરી આવવા માટે સ્વાર્થપ્રેરિત ચોક્કસ કારણો હતાં. એક તો ખ્રિસ્તીઓના મનમાં યહૂદીઓ માટે સદીઓ જૂનો અણગમો હતો અને હવે જો ઇઝરાયલ બને તો બલા ટળે. બીજું કારણ એ હતું કે વિશ્વયુદ્ધમાં ખુવાર થઈ ગયેલા દેશોને યહૂદીઓના પૈસા જોઈતા હતા અને યહૂદીઓ યુદ્ધમાં ખુવાર થઈ ગયેલાં નાદાર રાજ્યોને મદદ કરી શકે એટલા સમૃદ્ધ હતા. ત્રીજું કારણ એ હતું કે પેલેસ્ટાઈમાં ઇઝરાયલ વસાવીને અંગ્રેજો સુએઝ કૅનલ પર કબજો કાયમ રાખવા માગતા હતા. મધ્યયુગીન માનસ ધરાવતા બેવકૂફ આરબો સાથે ચાલાક યહૂદીઓ તેલના ભંડારોની અને સુએઝની કૅનલની નજીક રહે તો એમાં વધારે ફાયદો હતો. (આ કૉલમમાં મેં એક વાર લખ્યું હતું કે ૧૮૬૯માં બનેલી બે ઘટનાઓએ આરબ દેશોને દુઃખની ગર્તામાં ધકેલી દીધા છે. ૧૮૬૯માં જમીનમાંથી તેલ કાઢવાની ટેકનૉલૉજી વિકસી હતી અને એ જ વર્ષમાં સુએઝની કૅનલ ખુલ્લી મુકાઈ હતી. આ બે ઘટનાએ આરબોનું અહિત કર્યું છે. પાશ્ચાત્ય દેશો તેમને સમૃદ્ધિમાં આળોટવા દે છે, ધર્મના કેફમાં રાખે છે અને એ સાથે જ તેમને લોકતંત્ર જેવાં આધુનિક મૂલ્યોથી દૂર રાખે છે કે જેથી એ ભૂમિને લાંબા સમય સુધી લૂંટી શકાય.) આમ મધ્ય-પૂર્વમાં ઇઝરાયલ વસાવવામાં પશ્ચિમનો સ્વાર્થ હતો. એમાં બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન જર્મનીમાં નાઝીઓએ યહૂદીઓનો જે નરસંહાર કર્યો હતો એ પછી ઇઝરાયલ વસાવવા માટે મજબૂત કારણ મળી ગયું હતું.

યહૂદીઓ અને આરબો બન્ને પૂર્વની પ્રજા છે એટલે તેમનું શું કરવું અને કેમ વસાવવા એ નક્કી કરવાનો પશ્ચિમને દૈવી દરમ્યાનગીરીના ભાગરૂપે અધિકાર છે. આમાં પેલેસ્ટીનના આરબોને વિશ્વાસમાં લેવાનો તો પ્રશ્ન જ નહોતો. પૂર્વના પ્રશ્નો વિષે ઉકેલ શોધવો અને હસ્તક્ષેપ કરવો એ પશ્ચિમના દેશોનું કર્તવ્ય છે એમ હિલેરી ક્લિન્ટન અધિકારના સૂરમાં કહે છે અને એડ્વર્ડ સઈદ એ કહેવાતા કર્તવ્ય સામે ફરિયાદના સૂરમાં ઊહાપોહ કરે છે. જગતને આધુનિકતાના પાઠ શીખવનારા પશ્ચિમે ૨૦મી સદીમાં એક સાથે બે ધર્મ આધારિત રાજ્યોની સ્થાપના કરી હતી. પહેલાં ઇસ્લામના નામે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું અને બીજું પછીના વર્ષે યહૂદીઓ માટે ઇઝરાયલ અસ્તિત્વમાં આવ્યું. આ રાજ્યોની રચના પછી અનુક્રમે ભારતીય ઉપખંડમાં અને પશ્ચિમ એશિયામાં જ્વાળામુખી જેવી સ્થિતિ છે, કારણ કે આ રાજ્યોની સ્થાપના જ ખોટાં મૂલ્યો પર આધારિત છે. આ વાતને આજે છ દાયકા કરતાં વધુ સમય વીતી ગયો છે, પણ હજુ સુધી સ્થિતિ થાળે પડી નથી અને નજીકના ભવિષ્યમાં થાળે પડે એમ લાગતું નથી. ભારતમાં ઇસ્લામ ખતરામાં છે એવું ક્યારે ય ભારતીય મુસલમાનને લાગ્યું નહોતું, પણ અંગ્રેજોએ એને ખતરાનો અહેસાસ કરાવ્યો હતો. જેરુસાલેમની યાત્રાએ જતો યહૂદી ક્યારે ય આરબને ખટક્યો નહોતો, પણ તેને પરાણે ભૂમિમાં ભાગીદાર બનાવીને પવિત્ર ભૂમિમાં ઝેરનાં વાવેતર કર્યાં હતાં.

ગાંધીજીએ ઇઝરાયલની રચનાનો વિરોધ કર્યો હતો જે રીતે તેમણે પાકિસ્તાનની રચનાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પેલેસ્ટીન પેલેસ્ટીનીઓ માટે છે. યહૂદી પેલેસ્ટીની તરીકે પેલેસ્ટીનમાં વસી શકે છે, પણ યહૂદી તરીકે નહીં. ઈશ્વરની ભૂમિ ત્યાં વસતી પ્રજા માટે છે, ચોક્કસ ધર્મ માટે નથી. તેમણે મોહમ્મદ અલી ઝીણાને પૂછ્યું હતું કે જો હું (ગાંધી) ધર્માંતર કરું તો શું એક ઝાટકે મારી રાષ્ટ્રીયતા બદલાઈ જાય? ઝીણાએ આ પ્રશ્નનો જવાબ આપ્યો નહોતો. જેમ સિંધ દરેક ધર્મના સિંધીઓ માટે છે એમ પેલેસ્ટીન દરેક ધર્મના પેલેસ્ટીનીઓ માટે છે. હિન્દુત્વવાદીઓને પહેલી દલીલ ગમશે, બીજી જોઇને પેટમાં દુખશે.

માનવ મૂલ્યોમાં સર્વશ્રેષ્ઠ મૂલ્ય ઉદારતા અને સહિષ્ણુતા છે. હિલેરી ક્લિન્ટન અને એડ્વર્ડ સઈદની જ તુલના કરી શકો છે. ક્લિન્ટન એક પક્ષીય દરમ્યાનગીરીનો આગ્રહ રાખે છે જ્યારે સઈદ સર્વપક્ષીય સહઅસ્તિત્વ માટે આખી જિંદગી ઝઘડતા રહ્યા હતા. તેઓ મુસ્લિમ પેલેસ્ટીની, યહૂદી પેલેસ્ટીની, ખ્રિસ્તી પેલેસ્ટીની અને નાસ્તિક પેલેસ્ટીનીના સહિયારા પેલેસ્ટીનનો આગ્રહ રાખતા હતા. તેમણે ઈઝરાયલનો વિરોધ કર્યો હતો તો યાસર અરાફત અને પેલેસ્ટીન લીબરેશન ઓર્ગેનાઈઝેશનના ત્રાસવાદનો પણ વિરોધ કર્યો હતો. ચોક્કસ ધર્માવલંબીઓ માટેનું વેગળું રાષ્ટ્ર એ વિચાર જ મૂળમાં બિન આધુનિક છે અને અસ્વીકાર્ય છે. અસ્વીકાર્ય એટલા માટે છે કે બીજાને દૂર ધકેલતી ભૂમિમાં ક્યારે ય શાંતિ ન હોઈ શકે. પાકિસ્તાન અને ઇઝરાયલ લોહીના હિંસાના તાંડવથી ગ્રસ્ત છે.

સૌજન્ય : લેખકની ‘નો નૉન્સેન્સ’ નામેક કટાર, ‘સનન્ડે-સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 27 જુલાઈ 2014

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaat-27072014-18

Category :- Opinion Online / Opinion

પહેલી ગુજરાતી જાહેર ખબર અને પહેલું ગુજરાતી પુસ્તક છપાયું બોમ્બે કુરિયર પ્રેસમાં પણ એ મુખ્યત્વે અંગ્રેજી અખબાર છાપતું પ્રેસ હોવાથી ગુજરાતી મુદ્રણ એ તેને માટે ગૌણ કે આનુષંગિક પ્રવૃત્તિ હતું. પણ માત્ર ગુજરાતી છાપકામ કરવા માટેનું પહેલવહેલું પ્રેસ શરૂ થયું ૧૮૧૨માં અને તે પણ મુંબઈમાં. એ શરૂ કરનાર હતા સુરતમાં જન્મેલા પારસી નબીરા ફરદુનજી મર્ઝબાનજી.

૧૭૮૭માં જન્મેલા ફરદુનજી એક લગ્નમાં હાજરી આપવા ૧૮૦૫માં પહેલીવાર સુરતથી મુંબઈ ગયા અને પછી પાછા સુરત ગયા જ નહીં. ૧૮૦૮માં તેમણે મુંબઈના કોટ વિસ્તારમાં બુક-બાઇન્ડિંગનો ધંધો શરૂ કર્યો. બોમ્બે કુરિયર પ્રેસમાં છપાતાં પુસ્તકોનું બાઇન્ડિંગ કામ પણ ફરદુનજી કરતા. બહેરામજીએ બનાવેલા ગુજરાતી ટાઇપ પણ કદાચ જોયા હોય. તેમને વિચાર આવ્યો કે માત્ર ગુજરાતી છાપકામ કરવા માટે એક છાપખાનું શરૂ કરવું જોઈએ. લાગવગ લગાડી કયાંકથી લાકડાનો એક દાબપ્રેસ મેળવ્યો. છાપકામ માટેનો બીજો જરૂરી સરંજામ પણ એકઠો કર્યો. પણ ખરી મુશ્કેલી હતી ગુજરાતી ટાઇપની. એ કયાંથી લાવવા ? બોમ્બે કુરિયર પ્રેસ પાસે હતા, પણ નવા ઊભા થતા હરીફને એ થોડા જ આપે ?

ફરદુનજીએ જાતમહેનત કરવાનું નકકી કર્યું : “પોતે જાતે પુષ્કળ પછાડા મારી ખુદ પોતાને હાથે ગૂજરાતી ટાઇપોનો એક સેટ તીખાં લોઢાં ઉપર કોતર્યો, પોતે જ તેની ત્રાંબાની તખ્તિઓ ઠોકી અને પોતે જ તેને સીસામાં ઓતી ટાઇપો પાડયા.” (કેકોબાદ બેહેરામજી મર્ઝબાન, ‘ફરદુનજી મર્ઝબાનજી ઃ ગૂજરાતી છાપાના સ્થાપક, એક ફિલસૂફ, એક સુધારક, એક કવિ.’ મુંબઇ ૧૮૯૮. ભાષા જોડણી મૂળ પ્રમાણે). ૧૮૧૨માં મુંબઈના કોટ વિસ્તારમાં જૂની માર્કેટની સામે આવેલા એક મકાનમાં ફરદુનજીએ પોતાનું છાપખાનું શરૂ કર્યું. એ પ્રેસને તેમણે કોઈ નામ આપ્યું જ નહોતું. પણ લોકો તેને ‘ગુજરાતી છાપોખાનો’ તરીકે ઓળખતાં.

૧૮૧૪ પહેલાં આ પ્રેસમાં છપાયેલું આજે કશું જોવા મળતું નથી, પણ બે વરસ સુધી કાંઈ ફરદુનજી હાથ જોડીને બેસી રહ્યા ન હોય. ૧૮૧૪માં આ પ્રેસમાં છપાયેલું સંવત ૧૮૭૧નું પંચાંગ જોવા મળે છે. ૧૮૧૫માં ફરદુનજીએ છાપેલાં બે પુસ્તક જોવા મળે છે. ૨૬મી ઑકટોબરે છપાયેલું ‘ફલાદીશ’ (જયોતિષશાસ્ત્ર પ્રમાણે ફળાદેશ આપતું પુસ્તક) અને ૨૫મી ડિસેમ્બરે છપાયેલું ‘દાબેસ્તાન’ (પુસ્તકના ટાઇટલ પેજ પર ફરદુનજી માત્ર પ્રકાશનની સાલ નહીં, તારીખ વાર પણ છાપતા.) તે પછી ઓછામાં ઓછાં બીજાં ૪૦ ગુજરાતી પુસ્તકો પણ તેમણે છાપ્યાં, જેમાનાં ૨૦ તેમણે પોતે ‘બનાવેલાં’ હતા. (લેખક, સંપાદક, અનુવાદકને બદલે ફરદુનજી પોતાને પુસ્તકના ‘બનાવનાર’ તરીકે ઓળખાવતા.)

પોતાનું છાપખાનું શરૂ કર્યા પછી દસ વર્ષે, ૧૮૨૨ના જુલાઈની પહેલી તારીખે ફરદુનજી મર્ઝબાનજીએ પોતાનું છાપું ‘મુંબઈ સમાચાર’ શરૂ કર્યું. આજે હયાત હોય તેવાં છાપાંઓમાં ફરદુનજીએ શરૂ કરેલું આ છાપું આખા એશિયાનું જૂનામાં જૂનું છાપું છે, અને તેનું છાપખાનું ગુજરાતી છાપકામ કરતું જૂનામાં જૂનું છાપખાનું છે. મરાઠી ભાષાનું પહેલું છાપું ‘દર્પણ’ મુંબઈ સમાચાર પછી દસ વર્ષે ૧૮૩૨માં શરૂ થયું. અને તે દ્વિભાષી – મરાઠી અને અંગ્રેજી છાપું હતું. જ્યારે મુંબઈ સમાચાર કેવળ ગુજરાતી છાપું હતું.

અલબત્ત, કેટલીક વ્યવહારુ મુશ્કેલીઓને કારણે ૧૮૩૨ના ઑગસ્ટની ૧૩મી તારીખના અંકથી ફરદુનજીએ મુંબઈ સમાચાર સાથેના સંબંધનો અંત આણવો પડયો અને ત્યારબાદ થોડા વખતે મુંબઈ છોડી કાયમ માટે તે વખતે પોર્તુગીઝ શાસન હેઠળ હતું તે દમણમાં વસવાટ કરવો પડયો. જો કે ત્યાં પણ તેમણે છાપખાનું શરૂ કરી ગુજરાતી પુસ્તકો છાપ્યાં. પછી પોતાના ત્રણ દીકરાઓને મુંબઈ મોકલી ત્યાં ૧૮૪૧માં નવું છાપખાનું શરૂ કરાવ્યું, જે પાછળથી દફતર આશકારા પ્રેસ તરીકે ઓળખાયું. તે પછી થોડા જ વખતમાં ૧૮૪૧ના માર્ચની ૨૩મીએ ફરદુનજીનું દમણમાં જ  અવસાન થયું.

(વધુ હવે પછી ક્યારેક)

સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 21 જુલાઈ 2014 

Category :- Opinion Online / Opinion