OPINION

નારાયણ દેસાઈ કાળ સામે લડત આપીને આજે [24 ડિસેમ્બર 2014] એકાણુંમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. સો કરતાં વધુ વખત ગાંધીકથા કરનાર નારાયણભાઈએ ગુજરાતની સાહિત્યિક સંપ્રજ્ઞતાને ઢંઢોળવાનો  જે  અ-પૂર્વ પ્રયત્ન કર્યો તેની નોંધ લેવી ઘટે. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની 2008-9ની અવધિમાં  વિચાર અને કાર્ય બંને સ્તરે વિશિષ્ટ કામ કર્યું. પરિષદના મુખપત્ર ‘પરબ’માં લખેલા ચોવીસ પ્રમુખીય લેખોમાં તેમણે એકંદર ગુજરાતી સાહિત્યની વાત સીધી સામાજિક-રાજકીય નિસબતના સંદર્ભમાં કરી. એ લેખોનો સંચય રંગદ્વાર પ્રકાશને ‘ઘણું જીવો ગુજરાતી’ નામે બહાર પાડ્યો છે. નારાયણભાઈનું બીજું મહત્ત્વનું કામ તે અમદાવાદ સિવાયના ગુજરાતના કસબા અને શહેરોમાં સાહિત્યયાત્રા માટેની પહેલ અને તેની સાથે યથાશક્તિ ખુદનું રૂબરૂ જોડાણ.

ગાંધીજીએ 1936માં પરિષદ પ્રમુખ તરીકે આપેલાં ભાષણમાં કોશિયાને પણ સમજાય તેવું સહિત્ય સર્જવાની હિમાયત કરી હતી. બોંતેર વર્ષ પછી એ જ પદ પરથી તેમના ‘બાબલા’ આપેલા પહેલવહેલા વ્યાખ્યાનમાં ‘છેવાડાના માણસના હૈયા સુધી’ પહોંચતું સાહિત્ય રચવાની હાકલ કરી. ‘સાહિત્યને સર્વસમાવેશક બનાવવાની’ જરૂરિયાતને સ્પષ્ટ કરતાં તે કહે છે : ‘ગુજરાતીના શિષ્ટ સાહિત્યનો વ્યાપ હજી મર્યાદિત વર્ગ સુધી જ પહોંચવા પામ્યો છે. આદિવાસી, દલિત, મુસ્લિમ સમાજનું જીવન આપણા સાહિત્યનું ક્ષેત્ર ભાગ્યે જ બનવા પામ્યું છે ... નારીના પ્રશ્નો આપણે નારીવાદી લેખિકાઓ પૂરતાં મર્યાદિત નથી રાખ્યા?’ આ દૃષ્ટિએ પરિષદના કાર્યપ્રદેશને વિસ્તારવાનો જે પ્રયત્ન કર્યો તેની ઝાંખી તેમના કાર્યકાળ દરમિયાન થયેલા સંસ્થાના કાર્યક્રમોમાં મળે છે. ખુદને ‘સંપૂર્ણ ક્રાન્તિના સિપાઈ’ તરીકે ઓળખાવનાર નારાયણભાઈને લાગે છે કે ‘સમાજના સળગતા પ્રશ્નોમાં જ્યારે સાહિત્યકાર રસ લેવા માંડશે’ ત્યારે તે કર્મશીલની જ ભૂમિકા ભજવશે.

પાટનગરમાં આપેલાં ઉપર્યુક્ત વ્યાખ્યાનમાં જે મુખર થયું તે અત્યાર સુધી ભાગ્યે જ કોઈ અગ્રણી ગુજરાતી સાહિત્યકારને કોઈ મુખ્ય મંચ પરથી કહેવા જેવું લાગ્યું હતું. ‘જિગરના ચીરા’, નામે ભારતના ભાગલાની વ્યથાકથા આલેખનાર નારાયણભાઈએ કહ્યું: ‘ મને સન 2002માં જે કાંઈ બન્યું એ મહાપાતક લાગે છે ... આમ કહેતાં મારું હૃદય એટલા માટે ચિરાય છે કે એ મહાપાતકમાં મારો પણ ભાગ છે ...’ બંગાળના નંદિગ્રામના ‘સામાજિક પાપ’ના ત્યાંના સાહિત્યકારોએ કરેલા વિરોધને તે યાદ કરે છે અને પૂછે છે : ‘ ગુજરાતમાં ઘટેલી દુર્ઘટના નંદિગ્રામના ગોળીબારથી સેંકડો ગણી વધારે અમાનવીય હતી. તે વખતે શું આપણું હૈયું હચમચ્યું હતું એવું આશ્વાસન આપણે પોતાની જાતને એ ઘટના પછી લાંબે ગાળે ‘ભાવભૂમિ’ પુસ્તક પ્રકાશિત કરીને આપી શકીએ ખરા?’

સાહિત્યકારની આવી સામાજિક સંવેદના ઉપરાંત નારાયણભાઈની દૃષ્ટિએ તેનું સ્વમાન પણ મહત્ત્વનું છે. એટલા માટે તે સર્જકને ‘ખાસ કરીને શાસન પ્રત્યે ઓશિયાળાપણું’ કાઢી નાખવા જાણે તાકીદ કરે છે. શાસન માન-મરતબા કે પુરસ્કાર ‘એની ગરજે આપે’. પણ એથી એની પાસે સર્જક પોતાની ‘સ્વતંત્રતા ગીરવી ન મૂકી શકે’. તે લખે છે : ‘શાસનની દેખીતી ભૂલો કે તેણે ઇરાદાપૂર્વક ભરેલાં ખોટાં પગલાં અંગે ચૂપ થઈને બેઠાં રહેવું કે એ પોતાનો વિષય નથી એમ માનીને મૌન જાળવવું એ બધું ઓશિયાળાપણામાં આવી જાય.’

પરિષદ પ્રમુખ તેમના લેખોમાં  કેટલાં ય એવાં વિષયો અને સંવેદનોને સાંપ્રત સંદર્ભમાં સીધાં જ સ્પર્શ્યા છે કે જે વિશે ‘પરબ’ના પૃષ્ઠો પર તેમના પૂર્વસૂરિઓ કે અનુગામી પ્રમુખોએ ભાગ્યે લખ્યું હોય. જેમ કે ‘બુદ્ધિજીવીઓની હૃદયશૂન્યતા’, દલિતો અને સ્ત્રીઓ પરના અત્યાચારો, સાહિત્યિક સંસ્થાઓમાં સરકારની દખલગીરી, હિન્દ સ્વરાજનો વિચાર,  હિંસાવિહીન પ્રતિકારના દુનિયાભરના પ્રયોગો, પાંચ કરોડ જનતા વતી બોલનારી ગાંધીનગરમાં વિરાજમાન વ્યક્તિ, ફાવેલાંઓ અને રહી ગયેલાંઓ વચ્ચેના બીભત્સ ભાગલા, ગ્લોબલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશનના દોરમાં શિક્ષણનું વેપારીકરણ.

પરિષદ પ્રમુખની એક આકાંક્ષા ‘ગિરાગુર્જરીને વિશ્વગિરા બનાવીએ’ એવી છે. [ગાંધીજીવનનો ત્રેવીસો પાનાંનો ગુજરાતી આકરગ્રંથ આપનાર] નારાયણભાઈ માતૃભાષા અને માતૃસંસ્કૃિતના દ્રોહને એકસરખા ગણે છે. વાલીઓ, શાસકો અને પ્રસારમાધ્યમો સહિત સમગ્ર સમાજ ‘ભાષાને ભૂંસાઈ જવા દેવાની અત્મઘાતી પ્રવૃત્તિમાંથી બહાર આવે’ તે માટે તેમની પાસે નક્કર વિચારો છે. [અનુવાદપ્રવૃત્તિ પર પણ તે ભાર મૂકે છે.  તેમનાં સૂત્રો છે ગુજરાતમાં ‘માધ્યમ ગુજરાતી - ઉત્તમ હિન્દી અને અંગ્રેજી’ અને ગુજરાત બહાર ‘માધ્યમ માતૃભાષા - ઉત્તમ રાષ્ટ્રભાષા કે અન્ય રાષ્ટ્રીય ભાષા’.] વળી ભાષા લાદવાના પરિણામે થયેલા હિંસાચાર બાબતે તે પૂર્વ પાકિસ્તાન, આફ્રિકાના દેશો અને તિબેટના દાખલા આપે છે.

પરિષદની સાહિત્યયાત્રાનો નોખો ઉપક્રમ નારાયણભાઈના જ કાર્યકાળમાં શક્ય બન્યો [તેના વિશે તેમના ઉપરાંત સાહિત્યના કર્મશીલ રાજેન્દ્ર પટેલે પણ લખ્યું છે.] અનેક સાહિત્યકારોને સાથે રાખીને ત્રણ તબક્કામાં થયેલી આ આ સંવાદયાત્રા ઉત્તર અને મધ્યગુજરાત તેમ જ કચ્છ-સૌરાષ્ટ્રમાં થઈને પચાસેક જગ્યાએ ફરી. ભૂમિદાનના પદાયાત્રી તેમાંથી દરેક ક્ષેત્રમાં ત્રણ-ચાર દિવસ ફર્યા - ચોર્યાંશીની ઉંમરે, હૃદયરોગ માટેની દવાઓ લઈને, કોઈપણ વાહન વિના પગપાળા ફર્યા.

ઇન્દોરમાં પરિષદના રવિવારે પૂરાં થયેલાં જ્ઞાનસત્રના આયોજનની આ મહિનાના ‘પરબ’માં આવેલી નોંધમાં ઘટનાસ્થળની આસપાસ ‘ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ’ ધરાવતી જોવાલાયક જગ્યાઓમાં ઉજ્જૈન અને  માંડુનો ઉલ્લેખ છે. પણ બાબાસાહેબ આંબેડકરના જન્મસ્થળ મહુનો નથી.જો કે આ અસ્વાભાવિક નથી.  આંબેડકરના નામ અને કાર્યનો પરિષદના પ્રમુખીય લેખમાં ઉલ્લેખ કરનારા એકમાત્ર સાહિત્યકાર  નારાયણભાઈ દેસાઈ જ છે ને !

17 ડિસેમ્બર 2014

+++++

સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામે લેખકની કટાર, “નવગુજરાત સમય”, 24 ડિસેમ્બર 2014

e.mail : sanjaysbhave@yahoo.com   

Category :- Opinion Online / Literature

સનસની ખેજ (જેને ખોદી ખોદીને કાઢ્યા હોય એવા) સમાચારને અંગ્રેજીમાં ‘સ્કૂપ’ કહે છે. પત્રકારોની જે પ્રજાતિ વિલુપ્ત થઈ રહી છે તે પૈકીના વિનોદ મહેતા એમની પહેલી જ નોકરી ‘ડેબોનિયર’માં, પ્રતિમા બેદી (પૂજા બેદીની મમ્મી, કબીર બેદીની પત્ની) મુંબઈના જુહુ બીચ પર 1974માં પગથી માથા સુધી અનાવૃત્ત થઇને દોડી હતી તેની તસવીરોનું ‘સ્કૂપ’ લઈ આવેલા. એમનું છેલ્લું ‘સ્કૂપ’ એમની છેલ્લી નોકરી ‘આઉટલુક’માં હતાં જેમાં, ટેલિકોમમંત્રી એ. રાજા અને કોર્પોરેટ એજન્ટ નિરા રાડિયા વચ્ચેની ટેલિફોનિક વાતચીતમાં પત્રકારો, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓની ક્રિમિનલ સાંઠગાંઠ ખુલ્લી પડી હતી.

એક પત્રકાર શરીરની નગ્નતાથી શરૂ કરીને અનૈતિકતાની નગ્નતા સુધીની માનવીય કમજોરીઓને સફળતાપૂર્વક ઉઘાડી પાડે એવું દરેકના કિસ્સામાં બનતું નથી. એટલા માટે જ ગુજરાતીમાં ભણેલા-ગણેલા (રિપીટ) પત્રકારોમાંથી ભાગ્યે જ કોઈ એવો પત્રકાર હશે જે ‘ડેબોનિયર’ વાંચીને (રિપીટ) મોટો થયો ન હોય. ‘ડેબોનિયર’ ‘જોવાનું’ સામયિક હતું. વિનોદ મહેતાએ એને ‘વાંચવા’ લાયક બનાવેલું.

સેક્સ ખાલી સેક્સ હોય તો નઠારો બની જાય. વિનોદ મહેતાએ એમાં ‘બૌદ્ધિકતા’નું ગંગાજળ છાંટેલું. ‘ડેબોનિયર’ વિનોદ મહેતાની પહેલી નોકરી. મુંબઈના સમલૈંગિક પત્રકાર અશોક રાવ કવિએ 1971માં સમલૈંગિક ક્રાંતિ લાવવા આ પત્રિકા શરૂ કરી હતી. એમાં સફળતા ન મળી એટલે એ વખતના સર્વશ્રેષ્ઠ જી. ક્લેરીઝ પ્રિન્ટિંગ પ્રેસના રાજસ્થાની માલિક સુશીલ સોમાણીએ ડેબોનિયરને અમેરિકાના ધાંય ધાંય ‘પ્લેબોય’ની તર્જ પર ફરીથી પ્રકટ કરવાનું નક્કી કર્યું. વિનોદ મહેતા ત્યારે લંડનથી પાછા આવીને મુંબઈમાં નોકરી માટે ચંપલ ઘસતા હતા. મીનાકુમારીનું ત્યારે અવસાન થયું હતું. મુંબઈના જયકો પબ્લિસિંગવાળા ત્યારે મીનાકુમારી પર કિતાબ પ્લાન કરી રહ્યા હતા. એ કામ વિનોદ મહેતાને મળ્યું. વર્ષો પછી આ જ જયકો પ્રેસના ગુજરાતી માલિક અિશ્વન શાહ અને વિનોદ મહેતા ભારતનું પ્રથમ રવિવારીય સમાચારપત્ર સનડે ઓર્બ્ઝવર શરૂ કરવાના હતા.

વિનોદ મહેતા મીનાકુમારીના જીવનચરિત્ર (જેના પરથી તિગ્માંશુ ધુલિયા અત્યારે ફિલ્મ બનાવી રહ્યો છે) લખ્યા પછી નવારા હતા. એમને ખબર પડી કે છોકરીઓના ઉઘાડા ફોટા છાપતું ડેબોનિયર ડચકાં ખાય છે અને બંધ થઈ જવાની તૈયારીમાં છે. એમણે સુશીલ સોમાણીને કાગળ લખ્યો, ‘બંધ ના કરતા, મને ટ્રાય કરવા દો, મારી પાસે આઇડિયા છે.’ વગેરે વગેરે. આઇડિયા એ જ કે, નાગી છોકરીઓના સેન્ટર સ્પ્રેડની આજુબાજુમાં વિચારોત્તેજક લેખો ઠઠાડીએ તો ઇન્દ્રિયોતેજક પત્રિકાને ખરીદવામાં લોકોને ઓછી શરમ આવે.

વિનોદ મહેતાએ ‘ડેબોનિયર’ના સેન્ટર સ્પ્રેડને ટિપિકલ મહેતા શાહી બૌદ્ધિક-ગંગામાં ઝબોળી ઝબોળીને ભારતના બુક સ્ટોલ્સ પર ટિંગાતાં કરી દીધી હતાં. વિનોદ મહેતા પહેલા સંપાદક હતા જેણે ઉઘાડી છાતીઓ અને નિતંબો વચ્ચે વી. એસ. નાઇપોલ, નિરદ સી. ચૌધરી, ખુશવંત સિંઘ, વિજય તેંડુલકર, નિસીમ ઇઝીકેલ, અરુણ કોલાટકર અને આર. કે. નારાયણ જેવા ધુંઅાધાર લોકોના લેખ છાપ્યા હતા. તે વખતે વિદેશમંત્રી પદે રહેલા અટલ બિહારી વાજપેયીએ પણ ‘ડેબોનિયર’ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. વાજપેયીએ ત્યારે મહેતાને કહેલું, ‘તમારું મેગેઝિન સરસ છે, પણ મારે તકિયા નીચે સંતાડી રાખવું પડે છે.’

‘ડેબોનિયર’ના પાનામાં વાજપેયી જેવા સજ્જનને ખેંચી લાવવાનું એક ‘સ્કૂપ’ હતું તો એના અંતિમ પર પ્રોતિમા બેદીની નંગધડંગ તસવીરોનું બીજું ‘સ્કૂપ’ હતું. કબીર બેદી અને પ્રોતિમા બેદીએ ત્યારે ‘ફ્રી સેક્સ’નો ઝંડો ઉપાડેલો. એ વખતે સિનેબ્લિટ્ઝ શરૂ થવાનું હતું અને એની એડિટર રીટા મહેતાએ જુહુના દરિયા કિનારા પર પ્રોતિમા બેદી કપડાં કાઢીને મેરેથોન દોડ લગાવે એવું ફોટોશૂટ ગોઠવેલું. ‘ડેબોનિયર’ ત્યાં સુધી ખાસ્સી ‘નામના’ કમાઈ ગયેલું. પ્રોતિમાને થયું કે આટલી અદ્દભુત રિયલ તસવીરો ‘ડેબોનિયર’માં છપાવી જોઇએ.

વિનોદ મહેતા, પ્રોતિમા બેદી અને સુશીલ સોમાણીએ કારસો ગોઠવ્યો. ત્યારે રંગીન પાનાં છાપવાનું કામ ખાસ્સું માથાકૂટવાળું હતું. પ્રોતિમાના ભરાવદાર અને આકર્ષક શરીરનાં તસવીરોવાળાં પાનાં પ્રેસમાં છપાતાં હતાં ત્યાં કબીર બેદીનો ફોન આવ્યો અને કહ્યું કે, પાનાં ઉતારી લો, મારી કારકિર્દી અને ઇજ્જત બંને ખતરામાં છે. વિનોદે ના પાડી તો બીજે દિવસે બે ગુંડા ટાઇપ માણસો ‘ડેબોનિયર’ની ઓફિસમાં આવ્યા અને સિગારેટના ધુમાડા છોડતાં છોડતાં કહ્યું, ‘સાહીબને બોલા ફોટો નહીં છાપને કા હૈ.’

એ જ દિવસે પ્રોતિમાને ફોન આવ્યો કે, ‘કબીર બાસ્ટર્ડની જેમ બરાડા પાડી રહ્યો છે અને આ ફોટા છપાયા તો મને ઘરમાંથી તગેડી મૂકવાની ધમકી આપી રહ્યો છે. તમે કંઇક કરો. ફોર કલર સેન્ટર સ્પ્રેડ ગમે તેમ કરીને પ્રેસ પરથી ઉતારી લો. હું ખર્ચો આપી દઈશ.’ વિનોદ મહેતાએ પ્રોતિમાની શાદી બચાવવા ફોટા ઉતારી લીધા. પછી તો એ ફોટા બ્લેક એન્ડ વ્હાઇટમાં સિને બ્લિટ્ઝમાં છપાયા અને દેશભરમાં હંગામો મચી ગયો. વિનોદ મહેતા લખે છે, ‘ફોટા ઉતારી લેવાનીએ ઉધારી હજુ ય બાકી છે.’

વિનોદ મહેતાની પૂરી કારકિર્દી ડેબોનિયર(1974)થી શરૂ કરીને આઉટલુક(1995)માં પૂરી થઈ છે. વચ્ચે ચાર શ્રેષ્ઠ સમાચાર પત્રો આવી ગયાં. 1980માં સનડે ઓબ્ઝર્વર, 1987માં ઇન્ડિયન પોસ્ટ, 1989માં ઇન્ડિપેડેન્ટ અને દિલ્હીનું દોઢસો વર્ષ જૂનું ‘પાયોનિયર’.

કોઈને એવું લાગે કે આટલી બધી પત્ર-પત્રિકાઓનું સંપાદન કરનાર પત્રકાર કેટલો નસીબવાળો કહેવાય. પરંતુ ‘આઉટલુક’ને બાદ કરતાં (અને ડેબોનિયરને નિસરણી ચઢવાનું પહેલું પગથિયું ગણીને છોડી દઈએ તો) બાકીનાં બધાં પ્રકાશન મહેતાએ જ શરૂ કર્યાં અને એમણે જ બંધ કર્યાં. ગુજરાતીમાં તો પત્રકારો અને માલિકોના સંબંધો સુંવાળા હોય છે પણ વિનોદ મહેતા અને એમના માલિકો વચ્ચે કાયમ તનાતની ચાલતી. એટલે જ વિનોદ મહેતાની એક ઓળખાણ ‘નોકરીમાંથી સૌથી વધુ વખત કાઢી મુકાયેલા એડિટર’ તરીકેની છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ મુંબઈમાં વિનોદ મહેતા પાસે ધ ઇન્ડિપેન્ડેન્ટ શરૂ કરાવ્યું ત્યારે ‘બોરીબંદરની ઓલ્ડ લેડી’ના બધા એડિટરો વિનોદ મહેતાની ખિલાફ થઈ ગયેલા. એ વખતે શિમોર હર્ષ નામના અમેરિકન પત્રકારે મોરારજી દેસાઈને સી.આઈ.એ.ના ભારતીય જાસૂસ ગણાવેલા તેનો વિવાદ ચાલતો હતો. વિનોદ મહેતાએ ધ ઇન્ડિપેન્ડેન્ટમાં આઠ કોલમનું ‘એક્સક્લુઝિવ’ મથાળું ઠઠાળેલું : અમેરિકા માટે જાસૂસીના કામમાં મોરારજી દેસાઇ નહીં, વાય. બી. ચવ્હાણ. સ્વતંત્ર મહારાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી યશવંતરાવ બલવંતરાવ ચવ્હાણને ‘બદનામ’ કરવાની મહેતાની જુર્રતથી માલિકો સાથે એવી તનાતની થઈ કે પહેલા પાને માફી માગવી પડી અને નોકરી ય ગઈ.

ઇન્ડિયન પોસ્ટના માલિક રેમન્ડવાળા વિજયપત સિંઘાનિયાએ વિનોદ મહેતાને આઠ-દસ લોકોનાં નામની એક યાદી પકડાવેલી અને કહેલું કે આ લોકોની વિરુદ્ધ કશું લખવાનું નહીં. એમાં એક નામ રાજીવ ગાંધીનું અને બીજું નામ અમિતાભ બચ્ચનનું. મહેતાએ કહ્યું, પ્રધાનમંત્રીની ટીકા જ ન થાય તો પેપર કેવી રીતે બહાર નીકળે? ઇન્ડિયન પોસ્ટમાંથી નીકળીને દિલ્હીના દોઢસો વર્ષ જૂના પાયોનિયરને હાથ પર લીધું તો એના માલિક એલ. એમ. થાપરમાં રાજકીય મહત્ત્વાકાંક્ષાએ જન્મ લીધો અને વિનોદ મહેતાને એ ય છોડવું પડ્યું.

મહેતા લખે છે, ‘હું એ સંપાદકોમાં નથી જે પ્રેસ ફ્રીડમની માત્ર વાતો જ કરે. મેં એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વખત નોકરી છોડી છે. એવું ય નથી કે મારી પાસે બીજી નોકરી હતી. લાંબો સમય સુધી હું બેકાર રહ્યો છું. માલિક હોય તો નાની-મોટી વાતો તો માનવી પડે, પરંતુ એક લક્ષ્મણરેખા હોય છે જેને પાર કરવી મુશ્કેલ હોય છે.’ ‘આઉટલુક’માં આ લક્ષ્મણરેખા કાફી હદ સુધી અખંડ રહેલી. એમાં ય, રાડિયા ટેપ જારી કરવાનો વિનોદ મહેતાનો નિર્ણય ભારતીય પત્રકારત્વમાં સીમા ચિહ્ન ગણાય જેના કારણે ઘણા રાજકારણીઓ, પત્રકારોની નોકરી ગઈ છે.

વિનોદ મહેતા બ્રિટિશ રંગમાં રંગાયેલા પત્રકાર હતા. એ લંડનથી પાછા આવ્યા પછી ત્યાંના સન્ડે ટાઈમ્સ કે ધ ઓબ્ઝર્વરની તર્જ પર ભારતમાં રવિવારીય સમાચારપત્ર શરૂ કરવાની ઇચ્છા હતી. મુંબઇમાં જયકો પ્રેસવાળા ગુજરાતી અિશ્વન શાહે વિનોદ મહેતાને આ તક આપેલી અને ભારતનું એક માત્ર અને આજે ય સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવું સન્ડે ઓબ્ઝર્વર બહાર પડેલું.

ડેબોનિયરમાં ઉઘાડી છાતીવાળી સુંદરીઓ વચ્ચે વખાના માર્યા સલવાઈ ગયેલા ‘બૌદ્ધિક’ વિનોદ મહેતાને આ સન્ડે ઓબ્ઝર્વરમાં મોકળું મેદાન મળ્યું હતું અને એક સમચારપત્ર કેટલું રંગીન આકર્ષક અને વિચારોત્તેજક હોય એ સાબિત કરી દીધેલું. આ જ સન્ડે ઓબ્ઝર્વરમાં ધીરેન ભગત નામના હોનહાર પત્રકારે 30 વર્ષ પહેલાં (તે વખતે કડેધડ) ખુશવંત સિંઘ મરી જાય તો છાપામાં કેવી શોકાંજલિ લખાય તેનો પ્રયોગ કરેલો.

વિનોદ મહેતાને ‘તમને ગમતા એક એડિટરનું નામ આપો’ એમ પુછાયેલું ત્યારે તેમણે કહેલું કે ‘ખુશવંત સિંઘ એક માત્ર એડિટર છે. જેને હું સલામ કરું છું. બાકી, આજના પત્રકારો પાસેથી મારે કંઇ શીખવા જેવું નથી.’ કદાચ એટલે જ વિનોદ મહેતાએ એમના પાલતુ કુત્તાનું નામ એડિટર રાખ્યું હતું. એ કહે, ‘લોકો મને પૂછે છે કે કુત્તાનું નામ એડિટર કેમ રાખ્યું છે. હું કહું છું, કારણ કે એ જીદ્દી છે અને બધી ખબર પડતી હોય તેવો ડોળ કરે છે એટલે.’

ગયા રવિવારે 73 વર્ષની વયે અલવિદા કરી ગયેલા આ વિનોદ મહેતાના દિલ્હીના નિઝામુદ્દીન ઇસ્ટ સ્થિત ફ્લેટમાં હજારો કિતાબો, ફાઇલો અને સામાયિકો વચ્ચે સુશીલ સોમાણીએ લખેલો એક પત્ર પણ ક્યાંક દબાયેલો પડ્યો છે જે વિનોદ મહેતાએ ‘ડેબોનિયર’ છોડ્યું ત્યારે લખાયો હતો :

‘ડિયર વિનોદ,

મને ખબર છે કે મેં તને જ્યારે નોકરીમાં રાખ્યો હતો ત્યારે એક જુગાર જ ખેલ્યો હતો. આજે મને એ વાતનો આનંદ છે કે મારો જુગાર સફળ ગયો છે. ડેબોનિયર ભારતના અગ્રણી સામયિકોમાં છે કે નહીં તેની મને ખબર નથી, પરંતુ એક વાતનો પાકો વિશ્વાસ છે કે દર મહિને હજારો વાચકો ડેબોનિયર વાંચવાની રાહ જુએ છે. ડેબોનિયર તારું બેબી હતું અને કાયમ રહેશે.’

આમીન.

સૌજન્ય : https://www.facebook.com/raj.goswami.31?fref=nf

Category :- Opinion Online / Opinion