OPINION

દૃશ્ય ૧ : સામસામેની સોસાયટીમાં રહેતાં એક જ કોમનાં છોકરો-છોકરી પ્રેમમાં પડયાં. પકડાઈ ગયાં. છોકરીના બાપે છોકરાને ધમકાવ્યો. આ ધમકાવવાની ટેગલાઈન હતી, તેં મારી છોકરીને ફસાવી છે.

દૃશ્ય ૨ : સામસામેની સોસાયટીમાં રહેતાં બે અલગ-અલગ કોમનાં છોકરા-છોકરી પ્રેમમાં પડયાં. છોકરીનો બાપ કે બીજું કોઈ ક્યાં ય પિક્ચરમાં નથી, પણ છોકરીની સોસાયટીના સો-કોલ્ડ ચેરમેન ફ્રેમમાં એન્ટર થયા. એમણે છોકરાને ધમકાવ્યો. ટેગલાઈન હતી, સાલા તમારી સોસાયટીના છોકરાઓ અમારી સોસાયટીની છોકરીઓને ફોસલાવીને પટાવી જાય છે. હવે આ બીજા દૃશ્યમાં એક નવો જ ચહેરો સામેલ થયો. એને સોસાયટી સાથે કંઈ લેવાદેવા નથી પણ એ કોઈક ધાર્મિક સંગઠનનો વડો છે. એણે જાહેર કર્યું, "તમને ખબર છે, આ તમારી સામેવાળી સોસાયટીમાં રહેતા બધા તો ફલાણા ધરમના છે અને એ કોમવાળા તો બધા આવું જ કરે છે. આપણી દીકરીઓને કંઈ ને કંઈ લાલચ આપી પટાવી જાય છે, તેમનો ઉપયોગ કરે છે અને તેમને વટલાવી નાખે છે. ફલાણી જગ્યાએ પણ આવું થયેલું. એમની કોમવાળાઓ આવા જ છે બધા.”

ઉપર છે રાઈના પર્વત નામે લવ-જેહાદની શરૂઆતનો તબક્કો.

ઉપરનાં બે દૃશ્યોમાં ફરક સમજવા જેવો છે. એક વ્યક્તિગત વાત છે, જેમાં છોકરીના બાપને મારી દીકરીને ફસાવવામાં આવી રહી છે એવી લાગણી થાય છે. (જે સાહજિક ગણી શકાય.) રિપીટ. લાગણી થાય છે, ખરેખર છોકરીએ છોકરાને ફસાવ્યો હોય કે કોઈએ કોઈને ન ફસાવ્યા હોય કે બેઉ એકબીજાને પ્રેમ કરતાં હોય તેમ બની શકે છે. બીજા દૃશ્યમાં એક ઘટના વ્યક્તિમાંથી કેવી રીતે નાના સમૂહની યાને કે સો-કોલ્ડ સોસાયટીની બની જાય છે તેની વાત છે. હવે આ નાના સમૂહમાં ધરમનો મોટો સમૂહ ભળે છે અને સાદો, સરળ પ્રેમ પણ 'કોમવાલા ઇસ્ક' બની જાય છે. "ફલાણી કોમના છોકરાઓ ઢીંકણી કોમની છોકરીઓને પૂર્વયોજિત કાવતરા મુજબ ફસાવે છે, તેમનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવે છે અને તેમને રંજાડે છે" એવી વાત એક સોસાયટીથી બીજી સોસાયટી ને ગામમાંથી પરગણામાં થઈ છેવટે છાપે પહોંચે છે. એક વ્યક્તિગત વાતને આખા સમાજના ધારણાત્મક સત્ય તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે. આ વાત જેની હવા બંધાઈ છે તે લવ-જેહાદનો મૂળ વિચાર છે.

કથિત લવ-જેહાદને હિન્દુ-મુસ્લિમ એવા કોમી ચોકઠામાંથી બહાર કાઢી જોવામાં આવે તો બેઉ પક્ષે દાવ પર તો સ્ત્રી જ લાગેલી છે. "અમારામાં (છોકરી) લેવાય પણ દેવાય નહીં" એવી પ્રચલિત સમાજોક્તિ યાદ આવે છે? 'લવ-જેહાદ' નામે તૂત ઊભું થયું છે તેની પાછળની ધાર્મિક રૂઢિચુસ્ત પુરુષવાદી માનસિકતા આ છે. આધુનિક બની રહેલી પેઢી દેશના બંધારણે આપેલા અધિકાર મુજબ ધર્મથી લઈને પસંદગી મુજબનાં લગ્ન સુધીનું સ્વાતંત્ર્ય મેળવવાની કોશિશ કરી રહી છે, પણ તમામ ધર્મો અને તેમના સેંકડો વાડાઓમાં પેઠેલો સડો તેમને ફરી એ જ કળણમાં ખૂંપવી દેવા માગે છે. આ પરિસ્થિતિનો સૌથી વધારે ફાયદો રાજકારણ મેળવે છે એટલે એક પણ પક્ષ "દેશના બંધારણ મુજબ અને મૂળભૂત માનવીય અધિકારો મુજબ તમને તમારી પસંદગીથી પ્રેમ કરવાનો, લગ્ન કરવાનો, ગમે તે વ્યયસાય કરવાનો, હરવા-ફરવાનો, અભિવ્યક્તિનો કે ધર્મ પસંદ કરવાનો અધિકાર છે" એમ કહેવાને બદલે 'લવ-જેહાદ' જેવી મોંમાથા વગરની વાતની પણ રોકડી કરી લે છે.

કોઈ પરિવારનો છોકરો બીજા ધર્મની છોકરીના પ્રેમમાં પડે અને તેને પરણે તેની સામે જે હદે વાંધો હોય તેનાથી હજાર ગણો વધારે વાંધો પોતાના પરિવારની છોકરી સામેની કોમમાં પરણે તેમાં હોય છે. અહીં સ્ત્રીની વ્યક્તિગત ઓળખ ભૂંસાઈ જાય છે. એ માત્ર ઘર-ખાનદાન-નાત-ધરમનું ગૌરવ બનીને રહી જાય છે. બીજી કોમનો છોકરો તમારી કોમની છોકરીને પરણે એવા તમામ સંબંધોની સત્યતાને તમે 'લવ-જેહાદ' ગણી નકારી કાઢો અને તેને ધર્મપરિવર્તનનું પૂર્વયોજિત ષડ્યંત્ર ગણો તો આ જ ગણિત ઊલટું પણ લાગુ ન થઈ શકે? થઈ શકે. આ વાત જો સાચી માનવામાં આવે તો બેઉ કોમના છોકરાઓ કથિત રીતે લવ-જેહાદી ઠરે અથવા તો તમામ વિધર્મી પ્રેમલગ્નનું કારણ ધર્માંતરણ જ ગણાવવામાં આવે. જે હસી કાઢવી પડે એ હદે મૂર્ખતાભરી વાત છે. અલબત્ત, આવું કરવામાં પણ આવી રહ્યું છે. લવ-જેહાદ નામના કથિત સંગઠનની હયાતી કે સત્યતા તો સાબિત થઈ શકી નથી, પણ તેની સામે એન્ટી લવ-જેહાદ નામે નવો મોરચો ઊભો થયો છે. "એ લોકો આપણી કોમની એક છોકરી લઈ જાય છે તો તમે તેમની કોમની સો છોકરીઓ લઈ આવો" એવા હોંકારા પડકારા કેટલાક કટ્ટરવાદીઓ કરી પણ રહ્યા છે. અરે! એક મિનિટ ભાઈ, સ્ત્રીઓને દાવ પર લગાવવાની કોઈ હોડ જામી છે કે શું? બે કબીલા કે બે દેશો કે પછી બે જૂથો વચ્ચે યુદ્ધ થાય અને તેઓ સ્ત્રીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવી યુદ્ધ જીતી લેવાની પરંપરા હતી પહેલા. અહીં યુદ્ધ તો નથી, પણ લોકશાહી પ્રણાલીમાં ચૂંટણીઓ જ યુદ્ધ ગણાતી હોય છે એ કોણ નથી જાણતું?

તો આ આખી લવ-જેહાદની વાતમાં તથ્ય શું નીકળે? ૨૦૦૭થી ગુજરાતમાં અને કર્ણાટક, કેરળમાં ગૂંજી રહેલો આ મુદ્દો ખરેખર છે શું? કોઈ કોમના લોકો આવું પૂર્વનિયોજિત ષડ્યંત્ર રચીને કામ કરી રહ્યા છે એ દાવો કેટલો સાચો ઠરે? આપણે સમજવી પડે એવી ઘણી બાબતો છે. એક, દરેકને પોતાની પસંદગી મુજબ પ્રેમ અને લગ્ન કરવાનો અધિકાર છે. બે, બે અલગ કોમ વચ્ચે પ્રેમલગ્ન હોય તો એમાં બળજબરી ધર્મપરિવર્તન એ જ એજન્ડા ન હોઈ શકે. ત્રણ, ધર્મપરિવર્તન પણ જો લોભલાલચ વગર કરવામાં આવ્યું હોય તો એ કાયદેસર છે અને બંધારણીય અધિકાર છે. ચાર, લોભ કે લાલચની વ્યાખ્યા વ્યક્તિ વ્યક્તિએ જુદી હોઈ શકે છે. પ્રેમ કરનાર માણસ માટે પોતાના પ્રેમને પામવાથી મોટી કોઈ લાલચ ન હોઈ શકે અને તે માટે જો એ ઘર છોડી શકે તો ધર્મ શું કામ ન છોડી શકે? પાંચ, અનેક હજાર કેસના દાવા ભૂતકાળમાં કરવામાં આવ્યા છે અને હજી પણ થઈ રહ્યા છે, પણ બહુ જ જૂજ કેસમાં બળજબરી કરવામાં આવી હોય તેવું પ્રતિપાદિત થયું છે અને મોટા ભાગના કેસમાં બે નોખી કોમના લોકો પોતાની મરજીથી પરણ્યા હોવાની વાત બહાર આવી છે. છ, રાજકીય તત્ત્વો કે કટ્ટરવાદીઓને ઇશારે પ્રેમની કે લોભ-લાલચની વ્યાખ્યા નક્કી કરવી બેવકૂફી છે. સાત, જેમ અન્ય સામાન્ય લગ્નો નિષ્ફળ જાય છે અને તેવા લગ્નસંબંધમાં બંધાયેલી છોકરી અનેક યાતનાઓનો ભોગ બનતી હોય છે તેમ જ બે નોખી કોમ વચ્ચેનાં લગ્ન પણ નિષ્ફળ જઈ શકે, પણ તેને લીધે જે તે ધર્મના તમામ લોકોને ખોટા ન ઠેરવી શકાય. આઠ, આ પ્રકારની રાજકીય અને કટ્ટરવાદી પેંતરાબાજીથી સમાજમાં સદ્દભાવનું અને એખલાસનું જે વાતાવરણ હોય છે તે ડહોળાય છે એટલે તમામ સત્યોને જનરલાઇઝ ન કરી તેને કેસ ટુ કેસ જોવા જોઈએ અને જો કોઈ દબાણ કે બળજબરી હોય તો તેની કાયદેસર તપાસ થવી જોઈએ. નવ, પ્રેમલગ્ન જો સ્પેિશયલ મેરેજ એક્ટ મુજબ કરવામાં આવે તો એવાં લગ્નની નોટિસ એક મહિના સુધી લાગતી હોય છે. આની સામે ધર્માંતરણ બતાવીને તરત લગ્ન થઈ શકે તેમ હોય છે, તેથી પણ અનેક યુગલો કટોકટીની સ્થિતિમાં સરળ રસ્તા તરીકે આને પસંદ કરે છે જે બીજા લોકો માટે નવો મુદ્દો બની જાય છે. આપણા લગ્ન અંગેના કાયદાઓ પણ આ સ્થિતિ ઊભી થવા માટે જવાબદાર છે. દસ, લવ-જેહાદ જેવી થિયરી સ્ત્રીની નિર્ણયની સ્વતંત્રતાની સ્વાયત્તતા સામે પ્રશ્નાર્થ ખડો કરે છે અને સમાજમાં પુરુષવાદી રૂઢિચુસ્ત ધાર્મિક વિભાવનાઓ પ્રસ્થાપિત કરવાની કોશિશ કરે છે. હકીકતમાં લવ-જેહાદ જેવું કોઈ સંગઠન છે એવું સાબિત થઈ શકયું નથી.

છેલ્લે, પ્રેમ નાતજાત-કોમ-ધરમ જોતો નથી તેના અનેક કિસ્સાઓ આપણી સામે છે. આધુનિક વિચારોથી ઊછરી રહેલી આજની પેઢી પોતાના નિર્ણયોની પસંદગી પોતે કરવામાં માને છે એટલે બેશક ઇન્ટર-કાસ્ટ કે ઇન્ટર-ફેઇથ લગ્નો વધતાં જ જવાનાં છે. અલબત્ત, એ વધે તે સમાજના હિતમાં છે તેમ ડો. ભીમરાવ આંબેડકરથી લઈને ભારતની સર્વોચ્ચ અદાલત સુધી અનેક કહી ગયા છે, પણ તો ય આપણો પરંપરાવાદી મોહ છૂટતો નથી. 

e.mail : mmehul.sandesh@gmail.com

સૌજન્ય : ‘વિગતવાર’ નામે લેખકની કટાર, “સંદેશ”, 03 સપ્ટેમ્બર 2014

Category :- Opinion Online / Opinion

સંવેદનાની સફેદી અને ક્રૂરતાની કાળાશ વચ્ચે રહેલા દાવપેચના ગ્રે શેડ્સનો પરખંદો

અણનમ માથું

કોઈ પણ સાહિત્યકાર, કલાકારની ખરી ઉંમર એના મોત પછી શરૂ થાય છે. એ સાહિત્યકાર કે કલાકાર તેના મોત પછી તેની કૃતિઓ દ્વારા ભવિષ્યમાં જેટલું જીવે છે એ તેનું ખરું આયખું હોય છે. એ તેનું સામર્થ્ય હોય છે. શેક્સપિયર એ રીતે અણનમ આયખું લખાવીને આવ્યા છે. તેથી જ ચાર ચાર સદીઓ વીતવા છતાં ય તે ખૂબ પ્રસ્તુત છે. શેક્સપિયરનાં નાટકો આજે જગતભરની ભાષામાં ભજવાય છે. એ નાટકોનો આધાર લઈને વિશ્વના દેશોમાં ફિલ્મો બને છે. હિન્દી ફિલ્મોનાં કેટલાંક કિરદાર દાયકાઓથી શેક્સપિયરનાં કેટલાંક નાટકો અને પાત્રોથી પ્રભાવિત રહ્યાં છે. જેમ કે, સિત્તેર અને એંશીના દાયકાની વેર-બદલાપ્રધાન પ્રેમ ફિલ્મોમાં 'રોમિયો એન્ડ જુલિયેટ' નાટકની ઝાંખી વર્તાય છે.

એક આડ વાત. જગતભરમાં ફિલ્મમેકીંગની સ્ટાઇલ નાટકોના પ્રેઝન્ટેશનથી જ પ્રભાવિત છે. આજે પણ ફિલ્મોમાં પ્લોટ, સીન, સ્ક્રિપ્ટ નાટકની ઢબે જ લખાય છે. પ્રેઝન્ટેશન સ્ટાઇલની દૃષ્ટિએ ફિલ્મો એ નાટકોનું જ નબળું સ્વરૂપ છે. આટલાં વર્ષોમાં ફિલ્મે પ્રેઝન્ટેશનનું પોતાનું આગવું સ્વરૂપ વિકસાવ્યું નથી. કેટલીક ફિલ્મો સ્વતંત્ર સ્વરૂપે બની છે. આપણે ત્યાં મણિ કૌલની ફિલ્મોમાં 'ફિલ્મ' તરીકે એનું સ્વતંત્ર સ્વરૂપ જોવા મળે છે. આડ વાત પૂરી. 

શેક્સપિયરની ખાસિયત એ છે કે તેનાં પાત્રો મહાભારતનાં કિરદારોની જેમ વિવિધતા અને વિરોધાભાસથી ભરપૂર છે. તેનાં નાટકો આદર્શમાં નથી રાચતાં પણ જીવનના સંઘર્ષ, મનોવ્યાપાર, છળકપટને વ્યક્ત કરે છે. માણસના આ મનોભાવ અને પરિસ્થિતિઓ સદાકાળ રહ્યાં છે. તેથી એ નાટકોની પ્રસ્તુતતા બરકરાર છે.

ભૌતિક મહાત્ત્વાકાંક્ષા ધરાવતા માણસો અંતે મહાન બને છે કે નહીં એની તો ખબર નથી પણ જે લોકો મહાન બન્યા છે એમાંના કેટલાં ય મહાત્ત્વાકાંક્ષા વગરના હતા એવું નોંધાયું છે. શેક્સપિયરે નાનપણમાં એવી કોઈ મહાત્ત્વાકાંક્ષા નહોતી સેવી કે તેણે નાટયકાર થવું છે. બાળપણથી જ તેના જીવનમાં સંઘર્ષ એટલા હતા કે ટકી જવું એ જ ધ્યેય હતું. એમાં ઈચ્છા કે મહાત્ત્વાકાંક્ષાને કોઈ અવકાશ જ ન હતો. ફતન દેવાળિયા થઈ ગયેલા એક ખેડૂતનો પુત્ર જેનું શિક્ષણ પૂરું ન થયું હોય. કિશોરવયે જ સંસારની મોટી જવાબદારી આવી ગઈ હોય. ૧૮ વર્ષે લગ્ન થયા બાદ ૨૧માં વર્ષે જેનો સંસાર સમાપ્ત થઈ ગયો હોય. જેની એકમાત્ર લાલસા સંજોગો સામે માત્ર ટકી જવાની હોય. જેનામાં મહાન નાટયકાર થવાનાં કોઈ એંધાણ ન હોય એ માણસ જગતભરમાં મહાન નાટયકાર તરીકે પોંખાય એ વાત જ કેટલી નાટયાત્મક્તાથી ભરપૂર છે ! પણ આ નાટયાત્મક્તા શેક્સપિયરના જીવનમાં વાસ્તવિકતા બની.

શીખવાની સૂઝ હોય તો અનુભવની પાઠશાળામાં જે શીખવા મળે છે એ ઓક્સફર્ડમાં શીખવા નથી મળતું. શેક્સપિયરે નિશાળ પાડીને ગામના નદી કાંઠે ધુબાકા માર્યા હતા. માછીમારો સાથે જલસા કર્યા હતા. એજ્યુકેશનને ગોળી મારીને કુદરતને મન ભરીને માણી હતી. એ સૃષ્ટિ તેનાં નાટકોમાં ભાવપ્રતીકોરૂપે તેણે પ્રસ્તુત કરી હતી. બાળપણનાં એ સંસ્મરણો જ એનું ખરું એજ્યુકેશન હતું.

આજકાલ પોઝિટિવ થિંકિંગનાં પીપૂડાં વગાડનારાઓનો રાફડો ફાટયો છે. તેઓ મહાનતા અને સફળતા વિષેનાં સુગરચટ્ટાં વક્તવ્યો આપતી વખતે દૃષ્ટાંતો શેક્સપિયર, આઇન્સ્ટાઇન અને સોક્રેટિસનાં આપે છે, પણ એ અધૂરા ઘડા કાઉન્સેલરોને ખબર નથી હોતી કે આ મહાન નામો તો એક તબક્કે સંજોગો સામે હારી ગયાં હતાં. પરિસ્થિતિ સામે તેઓ લાચાર થઈ ગયા હતા. તેઓ જીવનની સામે ભાગેડુ જ પુરવાર થયા હતા. સોક્રેટિસને અધ્ધર બેસાડતી આજની પ્રજાએ તો એ વખતે એનાં છાજિયાં લીધાં હતાં.

૨૧ વર્ષની વયે ઇંગ્લેંડના સ્ટ્રેટસફર્ડ ગામના ઘરેથી ભાગીને શેક્સપિયર લંડનની વાટ પકડે છે ત્યારે એલિઝાબેથનું બ્રિટિશ સામ્રાજ્ય છે. એ વખતે કદાચ કાળને જ એટલી ખબર હશે કે એલિઝાબેથ અને બ્રિટિશ સામ્રાજ્ય વિસરાઈ જશે પણ જિંદગીએ જેને ઠેબે ચઢાવ્યો છે એ શેક્સપિયર યુગો સુધી જીવતો રહેશે. એલિઝાબેથના લંડનની એ વિશેષતા હતી કે એ વખતના લોકોની સાહિત્યપ્રીતિ અજબ હતી. જીવન પ્રત્યેનું રસદર્શન અજોડ હતું. શેક્સપિયરને પાંખો ફફડાવવા માટે આ પરિબળ પ્રેરણારૂપ બન્યાં હતાં. સાથે કેટલીક હિચકારી ઘટનાઓ પણ એ રાજમાં હતી. બર્બર પશુતા પણ ત્યાં હતી. લંડનમાં દેહાંતદંડની સજા પામેલાને જાહેરમાં ફાંસીની સજા અપાતી તેમ જ શિરચ્છેદ થતો હતો. એ ઘટના જોવા લોકો ટોળે વળતા હતા. રોજ લંડનના પુલ પર ધડથી છુટ્ટાં પડેલાં માથા લટકાવાતાં હતાં. શેક્સપિયર જ્યાં નટ હતો એ થિયેટર જવાના રસ્તે બ્રાઇડવેલ તુરંગ હતી. ચારિત્ર્યની શંકા અંગે ત્યાં સ્ત્રીઓને જાહેરમાં કોરડા ફટકારવામાં આવતા હતા. પ્રાણીઓ સાથે ઘાતકી ખેલ ત્યાં મોટાં મેદાનોમાં યોજાતા અને એ નિહાળવા રાણી સહિત લંડનવાસીઓ આવતા હતાં. આ ઘાતકી ઘટનાઓ શેક્સપિયરનાં નાટકોનાં દિલધડક કલ્પાંત અને કરુણા માટે નિમિત્ત બની હતી. તેના કિરદારોમાં જે હિચકારાપણું જોવા મળતું એના માટે આ ઘટનાઓ નિમિત્ત હતી.

શેક્સપિયરને પોતાનો હરીફ ગણતા એ સમયના કવિ અને નાટયકારે કહ્યું હતું કે ઇંગ્લેન્ડનો મોટામાં મોટો વિજય અને યુરોપનો મોટામાં મોટો ઉપકાર વિલિયમ શેક્સપિયર હતો. શેક્સપિયર પ્રત્યેનો મારો પ્રેમ પ્રભુભક્તિથી અંશમાત્ર ઓછો છે. નૃત્ય, નાટય, ગઝલસંગીત વગેરે કલાઓ આજે સમાજમાં રૂતબો ભોગવે છે, પણ એક સમયે આ કલાઓ નિમ્ન કોટિની ગણાતી હતી. નાટક એ નટ-બજાણિયાનો હલકો ધંધો ગણાતો હતો. શેક્સપિયરે એ ધંધાની બધી ય નાનમ સ્વીકારીને એમાં જ કેડી કંડારીને એને ગરિમા આપી. નાટકને સાહિત્યમાં ઉચ્ચ ભ્રૂ કેટેગરીમાં સ્થાન શેક્સપિયરના પ્રતાપે મળ્યું છે.

શેક્સપિયરે ગામડેથી લંડન આવીને જે કામ મળ્યું એ સ્વીકારી લીધું હતું. નદી પાર કરીને નાટકશાળામાં ઘોડે ચડીને આવતા લોકોના ઘોડા સાચવવાનું કામ તેણે કર્યું. ત્યાંથી તેને નાટકમાં રસ પડયો. નાટકમાં કલાકારોને પાઠ સંભળાવનાર પ્રોમ્પટર બન્યો, લહિયો બન્યો. ત્યાર પછી એક્ટર બન્યો. એ પછી જૂનાં નાટકો પર મરમ્મત કરતાં કરતાં તે નાટયકાર બન્યો. આ બધું તેના જીવનમાં અકસ્માતે બન્યું હતું. તેની રસવૃત્તિએ એમાં ઊંજણનું કામ કર્યું હતું. શેક્સપિયર 'જિંદગી જીતવાની જડીબુટ્ટી' કે 'પ્રેરણાનું તરણું' વાંચીને નહોતો ગયો.

સિનિયર સિટીઝન બન્યા પહેલાં જ એટલે કે બાવન વર્ષે ગુજરી ગયેલા શેક્સપિયરની નાટય કરિયર વીસ વર્ષની હતી. આ વીસ વર્ષમાં તેણે ૩૭ નાટકો આપ્યાં અને એ નાટકોનાં દાણિયા જેવા કેરેક્ટર્સ આજે પણ અભ્યાસનો અને ચિંતનનો વિષય છે. તેનાં ૩૭માંથી ૨૨ નાટકો રાજવંશી પાત્રોની રાજકીય ચડતીપડતીનું દર્શન કરાવે છે. એ કિરદારો આજે એ સમય કરતાં ય વધુ પ્રસ્તુિત સાથે ઊભર્યાં છે. તેણે માત્ર કરુણાન્તિકાઓ જ નહોતી આપી, તેની સુખાન્તિકાઓ પણ આપી હતી અને એ પણ પોપ્યુલર છે.

શેક્સપિયરન ટ્રેજેડીઝ

હૃદયના શોક-ઉત્કટ ભાવો પ્રકટ કરવામાં શેક્સપિયરની કૃતિઓ એટલી અતુલનીય છે કે 'શેક્સપિયરન ટ્રેજેડી' એ પ્રકારે એનો અભ્યાસ થાય છે. સાથોસાથ ઐતિહાસિક પરિપાટી અને રાજનીતિને તેણે તેમના તમામ રંગોમાં ઉપસાવી છે. ઇંગ્લેન્ડ અને રોમના ઇતિહાસને કેન્દ્રમાં રાખીને તેણે નાટકો રચ્યાં છે. શેક્સપિયરન ટ્રેજેડીની એ ખાસિયત છે કે એમાં કિરદારોનું જે કલ્પાંત હોય એ એટલું હૈયાવલોવણ હોય કે દર્શકને લાગે કે પોતે જાણે સ્મશાનમાં બેઠો છે અને સામે સ્વજનની ચિતા સળગી રહી છે. વેર,નાશ, પ્રેમ, અપરાધ ભાવ, ખટપટ, ઇર્ષ્યા વગેરે ભાવોને શેક્સપિયર જેટલી બારીકીથી ભાગ્યે જ કોઈએ ઝીલ્યાં છે. કિંગ લીયર, હેમ્લેટ, ઓથેલો, મેકબેથ એનાં દૃષ્ટાંતો છે. શેક્સપિયરે જે રીતે માણસની વૃત્તિઓને નાટકોમાં છતી કરી છે એ જોતાં તે વિદેશનો વેદવ્યાસ લાગે. શેક્સપિયરને પચાવી ગયેલા ગુજરાતી પ્રાધ્યાપક સ્વ. સંતપ્રસાદ ભટ્ટે લખ્યું હતું કે "એનું એ કલ્પનાધન આપણા વાસ્તવિક વૈભવથી અધિક મૂલ્યવાન છે. જાણે આપણાં સહુનો એ નિરીક્ષક હોય અને આપણા બધાયે ગુણો, અવગુણોને એ પામી ગયો હોય એવો સંકેત એની કૃતિઓમાં વસ્યો છે. અભિજાતનું ગૌરવ, ફૂદાં બનીને સમાજમાં ઊડતાં પતંગિયાની ક્ષુદ્ર વાસના, નિર્દોષોનાં મૃત્યુ, સત્તાના હાથે મૂક બનતો કલાકાર, ઇર્ષામય પ્રેમથી સળગી જતો સંસાર, અન્યાયોથી પાગલ બનતાં નર-નારીઓ, ખુશામતની સોનેરી જાળમાં સપડાઈને વેચાતાં જીવન, આ બધામાંથી તેની કૃતિઓને આકાર મળ્યો છે. સ્થિર નયને સંસારના તમાશા નિહાળીને એણે તો તારવ્યું કે જીવનનું એકમાત્ર મહાસત્ય સમર્પણ અને સ્વીકૃતિમાં રહ્યું છે. જીવનમાં દૃઢતાથી પકડવા જેવું એક જ તત્ત્વ છે અને તે છે આત્મા તત્ત્વ. પ્રેમ તે બીજાને જાત સમું દેખાડનારી સત્ય જીવનની આધારશીલા છે. નિસ્વાર્થ પ્રેમ સિવાયનાં બધાંયે તત્ત્વો જીવનમાં તુફાન ઊભું કરનારાં તત્ત્વો છે. આવું સત્ય દર્શાવીને મૂક બનેલો શેક્સપિયર સહુની વંદનાનો, સ્મરણનો અધિકારી બનીને મૃત્યુંજય રહ્યો છે."

કોઈ પણ પ્રજાનું માપ અને ચારિત્ર્ય એ રીતે પણ નક્કી થાય છે કે એ તેણે પોતાના કલાકારો, સાહિત્યકારો, વૈજ્ઞાાનિકો, ચિંતકોના વારસાને કઈ રીતે જાળવ્યો છે. ભારત આ મામલે પછાત છે. આપણે આપણા સંસ્કારવારસાનો ગર્વ તો લેવો છે, પણ એનો અર્ક નથી લેવો.   

તારલાઓમાં ચળકાટ છે કે નહીં એ શંકા હોઈ શકે છે,
સૂર્ય નથી ફરતો એ પણ શંકાનો વિષય હોઈ શકે,
સત્યમાં પણ જુઠ્ઠાણું હોઈ શકે,
પણ મારા પ્રેમમાં શંકાને કોઈ સ્થાન નથી.
માણસનો ચહેરો ગુસ્સા કરતાં દર્દમાં વધુ પારદર્શી હોય છે.
સારું કે ખરાબ કશું છે જ નહીં, માત્ર વિચારો છે જે આ ભેદરેખા બાંધે છે.
તેને સમજણ આપો, ઝબાન નહીં.
સપનું પોતે પણ એક પડછાયો કે આભાસ છે.
 એવું કંઈક છે જે કુદરતથી પણ પરે છે, જો ફિલસૂફી એને ઉકેલી શકે તો!
આ એક ગાંડપણ છે, પણ ધોરણસરનું છે!

હિન્દી ફિલ્મોમાં શેક્સપિયર

વિશાલની 'હૈદર' ઉપરાંત મકબૂલ (૨૦૦૪) અને ઓમકારા (૨૦૦૬) અનુક્રમે શેક્સપિયરનાં નાટકો 'મેકબેથ' અને 'ઓથેલો' પરથી બની હતી.

ગયા વર્ષે રજૂ થયેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગોલીયોં કી રાસલીલા : રામ-લીલા' તેમ જ હબીબ પેઝલની ફિલ્મ 'ઇશકજાદે' (૨૦૧૨) અને મનીષ તિવારીની પ્રતીક બબ્બર સ્ટારર 'ઇસક' એ શેક્સપિયરના નાટક 'રોમિયો એન્ડ જુલીયેટ'ના ફિલ્મ અડોપ્શન હતા.

૧૯૪૧માં રજૂ થયેલી જહાંઆરાને ચમકાવતી ફિલ્મ 'જાલીમ સૌદાગર' શેક્સપિયરના નાટક 'મર્ચન્ટ ઓવ વેનીસ' પરથી બની હતી.

૧૯૮૨માં ગુલઝારે સંજીવ કુમારને લઇને બનાવેલી 'અંગૂર' શેક્સપિયરના ક્લાસિક કોમેડી પ્લે 'કોમેડી ઓફ એરર્સ' પરથી બની હતી.

કાગડા બધે ...

શેક્સપિયર એલિઝાબેથ યુગમાં ભલે પોંખાયો હોય પણ ૧૬૪૦થી ૧૬૬૦ના ગાળામાં ઇંગ્લેન્ડમાં રાજ્યક્રાન્તિ થઈ એ પછી નાટક, સંગીત વગેરે મનોરંજન કલાને હદપાર કરી દેવામાં આવી હતી. નાટયઘરોને તાળાં લગાવી દેવાયાં હતાં. નાટયપ્રવૃત્તિ શૂન્ય થઈ ગઈ હતી. શેક્સપિયરનાં નાટકો ગ્રંથસ્થ હતાં તેથી સમય બદલાયા બાદ લોકો ગ્રંથ થકી શેક્સપિયર સુધી પહોંચ્યા હતા. શેક્સપિયરના જીવનપ્રસંગ કે એનાં ચિત્રો જળવાયાં નહોતાં તેથી શેક્સપિયર વિશે ભ્રામક માન્યતાઓ ઊભી થઈ હતી. એવી વાયકાઓ વહેતી થઈ કે શેક્સપિયર નામનો કોઈ માણસ જ ન હતો. કાગડા બધે કાળા હોય એમ ઓગણીસમી સદીના અંગ્રેજ સમાજમાં શેક્સપિયર સામે સવાલો ઊભા થયા હતા. દેવાળિયા ખેડૂતનો અને ખપ પૂરતું શિક્ષણ મેળવેલો શેક્સપિયર આટલું ગહન વિચારી જ કેમ શકે? એવા સવાલો એ વર્ગે ઊભા કર્યા હતા. એ નાટકો શેક્સપિયરે નહીં પણ એ યુગના ચિંતક ફ્રાન્સિસ બેકને લખ્યાં છે એવા વાયરા પણ વહ્યા હતા. ૧૯૧૦માં 'બેકન ઇઝ શેક્સપિયર' નામનું પુસ્તક પણ બહાર પડયું હતું, પરંતુ કાળ જેનાં પગલાં સાચવે એને કોઈ બંધનો અને સીમાડા નથી રોકી શકતાં.

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામે લેખકની કટાર, “સંદેશ”, 03 સપ્ટેમ્બર 2014

Category :- Opinion Online / Literature